જોડિયા તાલુકાના વાધા ગામના સીમ વિસ્તારમાં ખેતરના શેઢા પાસે વૃધ્ધે ખેતીની જમીન પવનચક્કી વાળાઓને ભાડાપેટે આપેલી હતી તે જમીનના શેઢા પાસે જેસીબીથી બાવળ અને ખાતર કાઢતા હતા ત્યારે છ શખ્સોએ જેસીબી બંધ કરાવી લોખંડના પાઇપ, લાકડાના ધોકા અને ધારિયા વડે વૃધ્ધ ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં બે વ્યક્તિઓને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
હુમલાની મળતી માહિતી મુજબ જામનગર તાલુકાના રામપર ગામમાં રહેતા નરસંગભાઇ કમાભાઇ જાટિયા ઉ.72 નામના વૃધ્ધે જોડિયા તાલુકાના વાધા ગામની સીમમાં આવેલી તેમની ખેતીની જમીન પવનચક્કી વાળાઓને ભાડાપેટે આપી હતી. જેથી પવનચક્કીવાળા આ જમીનના શેઢા પાસે જેસીબીથી બાવળ તથા ખાતર કાઢતા હતાં. તે સમયે ગુરૂવારે સવારના સમયે ભીખુ જીવા મકવાણા, વિનુ જીવા મકવાણા, અશોક ભીખા મકવાણા, ટીના મેસુર મકવાણા, ભૂરા મેસુર મકવાણા સહિતના 6 શખ્સોએ એકસંપ કરી જેસીબી બંધ કરાવી ઉગ્ર બોલાચાલી કરી પતાવી દેવાની ધમકી આપી હતી. તે સમયે નરસંગભાઇ સાથે છ શખ્સોએ બોલાચાલી કરી ઉશ્કેરાઇને લોખંડના પાઇપ, લાકડાના ધોકા, ધારિયું અને પ્લાસ્ટીકના પાઇપ વડે વૃધ્ધ ઉપર હુમલો કરીને ઇજા પહોંચાડી હતી. વૃધ્ધ ઉપર હુમલો થતા હેમતભાઇ વચ્ચે છોડાવવા પડ્યા હતાં. ત્યારે હુમલાખોરોએ તેના ઉપર પણ હુમલો કરી ધમકી આપી હતી.
6 શખ્સો દ્વારા કરાયેલા જીવલેણ હુમલામાં નરસંગભાઇ નામના વૃધ્ધને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી તેમજ હેમતભાઇને પણ ઇજાઓ થવાથી બંને ને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઇ આર.ડી.ગોહિલ તથા સ્ટાફ હોસ્પિટલે પહોંચી ગયો હતો અને ઇજાગ્રસ્ત વૃધ્ધના નિવેદનના આધારે રાયોટીંગ અને હત્યાના પ્રયાસ કર્યા નો ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.