દારૂની હેરાફેરી:જામનગરના ધ્રોલમાં પોલીસે ગાડી ચાલકનો ફિલ્મી ઢબે પીછો કરી 540 બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસને જોઈ બોલેરો ચાલક ગાડી છોડી ફરાર થતા પોલીસે આરોપીઓ સુધી પહોંચવા કવાયત શરૂ કરી

જામનગર- રાજકોટ હાઈવે પરથી ધ્રોલ પોલીસની ટીમે 540 બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકની પોલીસની ટીમ રાત્રી પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસને જોઈ એક વાહનના ચાલકે પુર ઝડપે રાજકોટ તરફ પોતાનું વાહન ભગાડી મુક્યું હતં. જેથી પોલીસે આઠ કિમી સુધી ફિલ્મી ઢબે પીછો કરી વાહનમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. જોકે, વાહન ચાલક વાહન છોડી નાશી છૂટવામાં સફળ થયો હતો.

ધ્રોલ પોલીસનો સ્ટાફ ગઈકાલે રાત્રે ત્રણેક વાગ્યે ગાંધી ચોક ખાતે વાહન ચેકિંગ કરી રહ્યો હતો. ત્યારે જોડિયા તરફથી એક બોલેરો પીકઅપ વાહન પુર ઝડપે પસાર થયું હતું. પોલીસે વાહન ચાલકને ઉભો રાખવા ઇસારો કર્યો હતો. પણ પોલીસના સંદેશની અવગણના કરી વાહન ચાલક પોતાનું વાહન પુર ઝડપે રાજકોટ તરફના માર્ગ પર વાળી નાશી ગયો હતો.

પોલીસે તાત્કાલિક ખાનગી વાહનમાં જે તે વાહનનો પીછો કર્યો હતો. પરંતુ આઠ કિમી દુર એક હોટેલ પાસે આ વાહન રોડથી નીચે ઉતરી બાવળની જાળીઓમાં જોવા મળ્યું હતું. પોલીસ પોતાના સુધી પહોચે તે પૂર્વે વાહન ચાલક વાહનને રોડ નીચે ઉતારી નાશી ગયો હતો. પોલીસે પીકઅપમાં ચેક કરતા અંદરથી જુદી જુદી બ્રાંડનો 540 બોટલ દારૂ મળી આવ્યો હતો. જીજે 38 T 4620 નંબરની બોલેરોમાંથી દારૂ કબજે કરી પોલીસે આરોપીઓ સુધી પહોંચવા કવાયત શરુ કરી છે. આ કાર્યવાહી ધ્રોલના પ્રોબેશનલ પીએસઆઈ કે એસ માણીયા સહિતના સ્ટાફે પાર પડી હતી.

અન્ય સમાચારો પણ છે...