રોગચાળો અટકાવવા પ્રયાસ:જામનગરમાં આરોગ્ય શાખાએ ઘરે ઘરે જઈ વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી હાથ ધરી

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગર શહેરમાં આરોગ્ય શાખા દ્વારા લોકોના ઘરે ઘરે જઈ વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરવામાં આવી રહી છે. આ સર્વેલન્સ કામગીરી મુજબ તા.14-11-2022 થી તા.20-11-2022 દરમિયાન અઠવાડિક ધોરણે 3,60,064 જેટલી વસ્તી અને 90,857 જેટલા ઘરોને આ સર્વે હેઠળ આવરી લેવામાં આવ્યાં છે. આ ઘરોમાંથી 5,03,540 જેટલા પાત્રો ચકાસવામાં આવેલા જેમાંથી 2866 પાત્રો પોઝિટિવ જણાયેલા આ પાત્રોમાંથી 1460 જેટલા પાત્રોને ખાલી કરાવાયા હતા. તેમજ 59,357 જેટલા પાત્રોમાં એબેટ નાખવાની કામગીરી કરવામાં આવી છે.

રોગચાળો નિયંત્રણમાં રહે તેવા પ્રયાસો
આ સર્વે દરમિયાન વિસ્તારમાંથી 270 તાવના કેસ મળ્યા હતા જેને યોગ્ય સારવાર આપવામાં આવી છે. આ રોગચાળો નિયંત્રણમાં રહે તે હેતુથી શહેરીજનોને વાહકજન્ય રોગચાળા અંગે જાગૃત થવા અને આરોગ્ય શાખા દ્વારા નિર્દેશિત પગલાં લઇ, વાહકજન્ય રોગચાળો નિયંત્રણમાં રહે તેવા પ્રયાસો કરવા જણાવવામાં આવે છે. આપના ઘરે આવતા આરોગ્ય કર્મચારીઓને સહકાર આપવા વિંનતી છે. આ રોગચાળોને નિયંત્રણમાં રાખવા માટે શહેરીજનોનો સાથ સહકાર અતિ આવશ્યક છે.

પાણીનાં પાત્રોની ચકાસણી કરાઈ
હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ દરમિયાન શહેરીજનોમાં વાહકજન્ય રોગ અટકાયત સંબંધિત જાગૃતિ આવે તે માટે દૈનિક ધોરણે હાઉસ ટુ હાઉસ વિઝીટ દરમિયાન પત્રિકા વિતરણ કરવામાં આવી છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકુનગુનિયાનાં પોઝિટિવ કેસમાં તુરંત જ ગાઈડલાઈન મુજબની રોગનિયંત્રણ કામગીરી કરાવવામાં આવી રહી છે. પોઝિટિવ કેસના વિસ્તારમાં સઘન સર્વેલન્સ દ્વારા તાવના કેસ શોધી કાઢવા, પાણીનાં પાત્રોની ચકાસણી કરી પોરાનાશક કામગીરી કરવામાં આવી છે, નાગરિકો દ્વારા મચ્છર નિયંત્રણનાં પગલાં યોગ્ય રીતે લેવાય તે બાબતે સમજણ આપવામાં આવી રહી છે.

​​​​​​​નાગરિકોએ પોતાના ઘરમાં આ સૂચનોનું અમલીકરણ કરવા જણાવાયું

  • પાણી ભરેલા તમામ વાસણો હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખવા.
  • પાણીની ટાંકીઓ, ફૂલદાનીઓ, પક્ષીકુંજ, કુલર ફ્રીજની ટ્રે વગેરે અઠવાડિયામાં એક વખત અચૂક સાફ કરો.
  • મેલેરિયા ફેલાવતા મચ્છરો રાત્રે, ડેન્ગ્યુ અને ચીકુનગુનિયા ફેલાવતા મચ્છરો દિવસે કરડતા હોવાથી મચ્છરનાં કરડવાથી બચો.
  • મચ્છરોનાં કરડવાથી બચવા માટે રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરો, આખી બાયના કપડાં પહેરો અને મચ્છર ભગાડવાની કોઈલ, ક્રીમ વગેરે રીપેલેંટસનો ઉપયોગ કરો.
  • સવારે અને સાંજે બારી બારણાં બંધ રાખો, આ સમયે મહત્તમ મચ્છરો ઘરમાં પ્રવેશે છે.
  • તાવ આવે કે તુરંત જ નજીકનાં આરોગ્ય કેન્દ્ર કે ડોકટરનો સંપર્ક કરવો.
  • “ડ્રાય ડે ઉજવો”
  • દર અઠવાડિયે એકવાર સવારે 10:00 કલાકે 10:00 મીનીટનો સમય કાઢીને ઘરમાં ઉપયોગમાં લેવાતા તમામ પાણીનાં પાત્રોને ખાલી કરી, ઘસીને સાફ કરી, સુકવ્યા બાદ ફરીથી ઉપયોગમાં લેવા."
અન્ય સમાચારો પણ છે...