ફિયાસ્કો:જામનગરમાં 1 લાખ વૃક્ષ વાવેતરના આયોજન સામે 1 વર્ષમાં ફકત 1,050 વૃક્ષનું વાવેતર કરાયું

જામનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2020-21ના મનપાના બજેટમાં શહેરમાં 7 જગ્યાએ અંદાજે 81722 ચોમીમાં 1 લાખ વૃક્ષ વાવેતરનું આયોજન કરાયું હતું
  • ગોકળગાયની ગતિએ ચાલતો ગ્રીન સ્પેસ ડેવલપમેન્ટ કોન્સેપ્ટ
  • 7 માંથી ફકત 2 સ્થળ પર જૂજ વૃક્ષનું વાવેતર થતાં ઘનિષ્ઠ વનીકરણથી ઓક્સિજનના સ્તરમાં વધારાનો મહાનગરપાલિકાનો દાવો પોકળ પુરવાર

જામનગર મહાનગરપાલિકાએ વર્ષ 2020-21ના ડ્રાફટ અંદાજપત્રમાં ગ્રીન સ્પેસ ડેવલપમેન્ટ કોન્સેપ્ટ અન્વયે શહેરમાં 7 સ્થળોએ એક લાખ વૃક્ષ વાવેતર કરી ધનિષ્ઠ વનીકરણ પીપીપી ધોરણે ડેવલોપ કરવાનું આયોજન કર્યું હતું.

પરંતુ એક વર્ષનો સમયગાળો થવા છતાં 1 લાખ વૃક્ષ વાવેતર સામે ફકત 1050 વૃક્ષનું વાવેતર થતાં આશ્ચર્યની સાથે અનેક સવાલ ઉઠયા છે. વળી, જામનગર શહેરમાં 7 પૈકી ફકત 2 સ્થળોએ ફકત જૂજ વૃક્ષનું વાવેતર થતાં ધનિષ્ઠ વનીકરણથી ઓક્સિજનના સ્તરમાં વધારાનો દાવો પોકળ પુરવાર થયો છે.

વર્ષ 2020-21ના મનપાના બજેટમાં શહેરમાં જુદી-જુદી 7 જગ્યાએ અંદાજે 81722 ચોમીમાં 1 લાખ વૃક્ષ વાવેતરના આયોજન સામે હજુ સુધી ફકત બે સ્થળે 8065 અને 15012 ચોમીમાં વૃક્ષોનું વાવેતર કરાયું છે. બાકીના પાંચ સ્થળો પર હજુ એક પણ વૃક્ષનું વાવેતર થયું નથી.

ફેકટફાઇલ | શહેરમાં ક્યાં સ્થળે વૃક્ષારોપણ
સ્થળવિસ્તાર(ચોમી)વૃક્ષોની સંખ્યા
જામનગર-રાજકોટ હાઇ-વે, કાર શો રૂમ પાસે8065350
અન્નપૂર્ણા મંદિર પાસે4599.13--
સોનલ નગર32232--
સુભાષબ્રીજ પાસે4569.86--
કાલાવડ રોડ, ચીકુવાડી પાસે15012700
મહાપ્રભુજી બેઠક રોડ12577.87--
શાંન્તીવિલા સોસાયટી પાસે2613.47--

શહેરમાં બાકી સ્થળો પર કમ્પાઉન્ડ વોલ અને ફેન્સીંગની કામગીરી બાદ વૃક્ષારોપણ કરવામાં આવશે
જામનગરમાં ગ્રીન સ્પેસ ડેવલપમેન્ટ કોન્સેપ્ટ અન્વયે 7 સ્થળો પર 79669.33 ચોમી જગ્યામાં વૃક્ષ વાવેતરનું આયોજન કરાયું છે. જે પૈકી બે સ્થળો પર 1050 વૃક્ષનું વાવેતર કરાયું છે. જયારે બાકીના સ્થળો પર કમ્પાઉન્ડ વોલ અને ફેન્સીંગની કામગીરી બાદ વૃક્ષા રોપણ કરવામાં આવશે.- એચ.વી.પાઠક, નાયબ ઇજનેર, સીવીલ શાખા, જામ્યુકો.

લીમડા, કરંજ, સપ્તપર્ણી, જામફળી, સીતાફળી, બોરસલી વૃક્ષનું વાવેતર
જામનગરમાં ગ્રીન સ્પેસ ડેવલોપમેન્ટ કોન્સેપ્ટ અન્વયે બે સ્થળો પર 1050 વૃક્ષનું વાવેતર કરાયું છે. જેમાં જામનગર-રાજકોટ હાઇ-વે પર 350 અને કાલાવડ રોડ પર ચીકુવાડી પાસે 700 વૃક્ષનો સમાવેશ થાય છે. આ સ્થળો પર લીમડા, કરંજ, સપ્તપર્ણી, જામફળી, સીતાફળી, બોરસલી વૃક્ષનું વાવેતર કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...