જામનગરમાં લમ્પી વાઈરસનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે. લમ્પીના કારણે પશુઓના ટપોટપ મોત નિપજી રહ્યા છે. તો બીજી તરફ તંત્ર દ્વારા દરરોજ કેટલા પશુઓનું વેક્સિનેશન કરાયું તેના આંકડાઓ જાહેર કરવામાં આવી રહ્યા છે. પરંતુ, પશુપાલન વિભાગના બે ડોકટરોની એક કથિત ઓ઼ડિયો ક્લિપ વાઈરલ થતા વેક્સિનેશનની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. કારણ કે, ઓડિયો ક્લિપમાં એક ડોકટર બીજા ડોકટરનો સ્લાઈટ વોટરના ઈંજેકશન આપવાનું કહી રહ્યા છે.
ડો.મહેન્દ્ર ગોધાણી અને ડો. સોલંકીની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ
જામનગર મહાનગરપાલિકામાં પશ ડોકટર તરીકે ફરજ બજાવતા ડો. મહેન્દ્ર ગોઘાણી અને ડો. સોલંકીની એક કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થઈ છે. જેમાં ડો. સોલંકી દ્વારા ડો. મહેન્દ્ર ગોઘાણીને કહેવામાં આવે છે કે, ક્લિનિક બંધ છે અને રસી ખાલી થઈ ગઈ છે. તો ડો. મહેન્દ્ર ગોઘાણી કહે છે કે, આપણ ટાર્ગેટ પૂર્ણ કરવાનો છે. તમે સ્લાઈટ વોટરના ઈન્જેકશન આપી દો. લોકોને લાગવું જોઈએ કે, આપણે રસી આપી રહ્યા છીએ.
ધારાસભ્ય વિક્રમ માડમે ગંભીર સવાલો ઉઠાવ્યા
બે ડોકટરોની કથિત ઓડિયો ક્લિપ સાથે આજે ખંભાળિયાના કૉંગ્રેસી ધારાસભ્ય વિક્રમ માડમે જામનગરમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કથિત ઓડિયો ક્લિપને લઈ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. વિક્રમ માડમે કહ્યું હતું કે, અત્યાર સુધી પશુઓના રસીકરણમાં પોલમપોલ જ ચાલી રહી હતી. છેલ્લા બે દિવસથી જ રસી આપવામાં આવે છે. હાલ તે પણ ખાલી ગઈ છે.
ડો. મહેન્દ્ર ગોઘાણીને સસ્પેન્ડ કરાયા
ધારાસભ્ય વિક્રમ માડમે કથિત ઓડિયો ક્લિપ રજૂ કરી જવાબદારો સામે પગલાં લેવાની માગ કરી હતી. વિક્રમ માડમની પ્રેસ કોન્ફરન્સની ગણતરીની જ કલાકોમાં જામનગર મનપાના પશુ ડોકટર મહેન્દ્ર ગોઘાણીને ફરજમુક્ત કરી દેવાયા છે.
રસીને બદલે પાણીના ઈન્જેકશન અપાતા પશુ મોતને ભેંટે છે
વિક્રમ માડમે કહ્યું હતું કે, મનપાના તબીબો દ્વારા પશુઓને વેક્સિનના ઈંજેકશનના બદલે પાણીના ઈંજેકશન અપાતા પશુપાલકોને એમ થાય છે કે તેનું પશુ રસીકરણથી સુરક્ષિત થઈ ગયું છે. વાસ્તવમાં તે સુરક્ષિત થયું હોતું નથી. પરંતુ, મનપાના અધિકારીઓ તેનો ટાર્ગેટ પૂરો કરવા માટે અબોલ પશુઓના જીવ સાથે ચેડાં કરતા હોવાના વિક્રમ માડમે આક્ષેપ કર્યો હતો.
મનપાના કોન્ટ્રાકટ પર ફરજ બજાવતા પશુ ડોકટર ગોધાણી ફરજમુકત
જામનગર મહાનગરપાલિકામાં કોન્ટ્રાકટ પર ફરજ બજાવતા પશુ ડોકટર એમ. એમ . ગોધાણી કે જેમણે પશુઓમાં ફેલાયેલા લમ્પી વાઇરસ સંબધે પશુઓને રસીકરણ અને સારવામાં ગંભીર બેદરકારી દાખવતા નાયબ કમિશ્નરે ગુરુવારે તાકીદે ફરજમાંથી છૂટા કરવા આદેશ કર્યો છે.
ઓડિયો ક્લિપના મુખ્ય અંશો- ‘ટાર્ગેટ પૂરો કરવાનો છે..વિકલ્પ નથી.. વેક્સિન ક્યાં ગોતવા જવી?’
કોન્ટ્રાક્ટ કર્મચારી સોલંકી : સાહેબ, દવાખાનુ બંધ છે, વેક્સિન નથી તો શું વેક્સિન આપવાનું બંધ કરી દઈએ ?
ડો. ગોધાણી : બંધ ન કરી શકાય, વેક્સિન ન હોય તો નોર્મલ સલાઈન ચડાવી દો અને વેક્સિન કરી નાખી હોય તેમ કરી નાખો. આપણે ટાર્ગેટ પૂરો કરવાનો છે. બીજો વિકલ્પ નથી. વેક્સિન ક્યાં ગોતવા જવી.
કોન્ટ્રાક્ટ કર્મચારી સોલંકી : સાહેબ, ગૌશાળા 40-50 ગાયો માટેનું વેક્સિન માગે છે, શું કરવું ?
ડો. ગોધાણી : આજનું કહે છે તો તેમને પણ નોર્મલ સલાઈન આપી દો, ખોટા ના પાડશો તો પ્રશ્ન થશે, આપણી રીતે કરી નાખો. નોર્મલ સલાઈન આપીને વેક્સિન કરી નાખો.
નકલી ઈન્જેક્શન આપી શીંગડું રંગી નખાતા વાઇરસ ફેલાવાનો પણ ખતરો
જામનગરમાં વેક્સિનની જગ્યાએ ગાયોને નોર્મલ સલાઇન આપી દેવાની ઘટનામાં ગંભીર બાબત તો એ છે કે, નોર્મલ સલાઇન ચડાવી દીધા બાદ તેને વેક્સિન આપી દીધી હોવાની સાબિતીરૂપે તેનું શીંગડું લાલ કલર કરી નાખવામાં આવે જેથી બીજીવાર તેને વેક્સિન મળે નહી. હવે આ ગાયને વાઇરસ લાગુ પડે તો અન્ય પશુને તેનો ચેપ લાગે અને તેની સાથે અન્યને પણ જોખમ ઉભું થાય.
મ્યુનિ. કમિશનરનો ફોન નો-રિપ્લાય, નાયબ કમિશનરે કહ્યું તપાસ કરીશું
મનપાના પશુ ચિકિત્સક ડોકટરે લમ્પીગ્રસ્ત ગાયોને રસીને બદલે નોર્મલ સલાઈન ઈન્જેક્શન મારવાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતા આ અંગે મ્યુનિ. કમિશનરનો સંપર્ક કરતા તેમનો ફોન નો-રીપ્લાય થયો હતો. જ્યારે નાયબ કમિશનર એ.કે. વસ્તાણીએ આ બાબતની જાણ માધ્યમો દ્વારા થઈ છે જેને ગંભીરતાથી લઈ આ અંગે તપાસ કરવામાં આવશે તેમ કહ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.