મેઘરાજાએ હેત વરસાવ્યું:જામનગરમાં શહેર અને ગ્રામ્યમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ, મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન

જામનગર3 મહિનો પહેલા
  • જિલ્લામાં આજે સવારે કાલાવડમાં પોણો ઇંચ અને ધ્રોલમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો

જામનગર શહેર અને જિલ્લામાં ગત રાતથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. આજે સવારમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગને લઈ કેટલીક સ્કૂલોમાં રજા રાખવામાં આવી હતી. વરસાદના પગલે મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા. જિલ્લામાં આજે સવારે કાલાવડમાં પોણો ઇંચ અને ધ્રોલમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.

મોડી રાત્રીથી વરસાદ શરૂ
હવામાન વિભાગની આગાહી મુજબ જામનગરમાં આગામી તારીખ 16ના રોજ રેડ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. ત્યારે ગત મોડીરાત્રીથી મેઘરાજાએ ધીમીધારે હેત વરસાવવાનું શરૂ કર્યું હતું. બીજી તરફ સવારે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેથી શહેરમાં અનેક રસ્તાઓ પર તેમજ મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેથી વાહનચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ક્યા તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો
જામનગરમાં સવારે છથી આઠ વાગ્યા સુધીમાં ચાર તાલુકામાં મેઘરાજાએ પધરામણી કરી છે. જેમાં કાલાવડમાં પોણો ઈંચ, ધ્રોલમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. તેમજ લાલપુર અને જામનગરમાં પણ વરસાદ શરૂ થયો હતો. જામનગરમાં છેલ્લા 24 કલાકમાં વરસાદી આંકડા પર નજર કરીએ તો કાલાવડમાં બે ઇંચ, જામનગરમાં દોઢ ઇંચ, જોડીયામાં 5 ઇંચ ધ્રોલમાં સાડા ચાર ઇંચ, લાલપુરમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.

અનેક જગ્યાએ ખોદકામ કરાતા હાલાકી
શહેરના મુખ્ય માર્ગો પર વિકાસના કાર્ય ચાલતા હતા તેમાં મોટા ખાડા પડ્યા હતા અને ભુર્ગભ ગટરના કામ ચાલતા હોવાથી અનેક રસ્તા બંધ રાખવામાં આવ્યાં હતા. જેથી વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વરસાદની આગાહી હોવા છતાં મહાનગરપાલિકાના તંત્ર દ્વારા શહેરમાં અનેક જગ્યાએ ખોદકામ કરવામાં આવી રહ્યુ છે અને શહેરના મુખ્ય માર્ગો બંધ કરવામાં આવ્યાં છે.
લોકોને સાવચેત રહેવા તંત્રની અપીલ
જામનગર મહાનગરપાલિકાની શાખા દ્વારા શહેરમાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ભૂગર્શાખા દ્વારા શહેરના હિરજી મિસ્ત્રી રોડ પર આવેલા મુખ્ય ચોક પાસે કામગીરી કરતા હતા તે દરમિયાન રસ્તો બંધ કર્યો હતો. ત્યારે રસ્તાની કામગીરીને લઈ ભુર્ગભ શાખા દ્વારા જે ખોદકામ કરવામાં આવ્યું છે તેમાં અકસ્માતનો પણ ભય રહેલો છે. ભારે વરસાદની આગાહીના કારણે મહાનગરપાલિકાનું તંત્ર તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...