તકેદારીના પગલાં:જામનગર શહેર-જિલ્લામાં 11,296 ગાયોને લમ્પી વિરોધી રસીકરણ કરાયું

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરી વિસ્તારમાં 5008: જામનગર, ધ્રોલ, કાલાવડ તથા જોડિયા તાલુકામાં 6288 પશુઓને રસીકરણ
  • ગાયોમાં ફેલાઈ રહેલ લમ્પી રોગ પર નિયંત્રણ લાવવા તંત્ર દ્વારા હાથ ધરાઈ અસરકારક કામગીરી: નોડલ અધિકારીઓ નિમાયા

જામનગર શહેર અને જિલ્લાના ઘણા વિસ્તારોમાં ગાયોમાં હાલમાં લમ્પી સ્કીન ડીસીઝ (LSD) નામનો ચેપી રોગચાળો જોવા મળેલ છે. આ રોગ કેપ્રી પોક્ષ નામના વાઇરસથી થાય છે. જે વાઇરસ માખી, મચ્છર તેમજ પશુઓના શરીર પર જોવા મળતા જુ તથા ઇતરડીથી ફેલાય છે. વધુમાં આ રોગ પશુઓના સીધા સંપર્કથી પણ ફેલાય છે.

જામનગર શહેરમાં સૌ પ્રથમ આ રોગ ગાંધીનગર, રામેશ્વર નગર અને નવાગામ ઘેડ વિસ્તારમાં જોવા મળ્યો હતો. જિલ્લા પંચાયત, જામનગરની પશુપાલન વિભાગની ટીમ દ્વારા ગત તા.3-5નાં રોજ આ વિસ્તારની-મુલાકાત લઈને રોગગ્રસ્ત 28 પશુઓની સારવાર કરવામાં આવી છે. તેમજ ચોક્કસ નીદાન માટે જરૂરી 21 સેમ્પલ લઈ અમદાવાદની પશુપાલન ખાતાની લેબોરેટરી ખાતે મોકલવામાં આવેલ.તેમજ પશુઓમાં જરૂરી રસીકરણ સત્વરે ઉપલબ્ધ કરાવી તા.6-5થી આ અસરગ્રસ્ત વિસ્તારમાં પશુપાલકોના ઘરે ઘરે જઈને તંદુરસ્ત પશુઓને આ રોગ વિરોધી રસીકરણ કામગીરી હાથ ધરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તા.૩ મેથી તા.31 મે સુધીમાં કુલ 237 કેસ નોંધાયેલા છે.​​​​​​​ ધ્રોલ અને લતીપુર ગામે તા.23ના મે રોજ પ્રથમ કેસ નોંધાયો હતો. કાલાવડ તાલુકાના પ્રભુજી પીપલીયા ગામે પ્રથમ કેસ નોંધાયો જે પછી 102 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જોડિયા તાલુકામાં તા.17 મેના રોજ પ્રથમ કેસ નોંધાયો હતો જે બાદ 26 પશુઓની સારવાર કરવામાં આવી હતી. આમ, જામનગર જિલ્લાના 343 કેસ નોંધાયા હતા અને 6288 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

રોગના લક્ષણો જણાય તો ક્યાં કોનો સંપર્ક કરવો
રસીકરણ માટે તાલુકાના મુખ્ય પશુ દવાખાનાનો સંપર્ક કરવો. ડો.એ.સી.વીરાણી, નાયબ પશુપાલન નિયામક, જિ.પ., જામનગર 9824249198, ડો.એ.બી.રાણીપા, મદદનીશ પશુપાલન નિયામક, જિ.પ. જામનગર- 9737631555, જામનગર તાલુકા માટે ડો.સી.એ.ભંડેરી 8000858437, ધ્રોલ તાલુકા માટે ડો.કે.એન. પરમાર 9974365547, જોડિયા તાલુકા માટે ડો.કે.એન. ખીમાણીયા 9909864497, કાલાવડ તાલુકા માટે ડો.પી.બી.માદરિયા 7990525701, લાલપુર તાલુકા માટે ડો.એમ.પી. ગામીત 8153884287 અને જામજોધપુર માટે ડો.આઈ.એમ.ભટ્ટી 9624232044ની નિમણુંક કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...