લમ્પી વાઇરસનો હાહાકાર:જામનગરમાં પશુપાલન મંત્રીએ લમ્પી વાયરસની પરિસ્થિતિની સમીક્ષા કરી, વેક્સિનેશન અંગેની કામગીરી સહિતનું નિરીક્ષણ કર્યું

જામનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લમ્પી વાયરસ અસરગ્રસ્ત પશુઓની યોગ્ય રીતે કાળજી લેવાય તે માટે ગૌશાળાઓની મુલાકાત લીધી
  • ગૌધનના રહેઠાણ, ખોરાક અને દવાઓના છંટકાવ માટે જરૂરી સુવિધાઓ પૂરી પાડવા મંત્રીએ સૂચનો કર્યા

જામનગર સહિત રાજ્યના કેટલાય જિલ્લામાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે જામનગરમાં પશુપાલન મંત્રી રાઘવજી પટેલે લમ્પી વાયરસની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મંત્રી રાઘવજી પટેલે લમ્પી વાયરસ અસરગ્રસ્ત પશુઓની યોગ્ય રીતે કાળજી લેવામાં આવે તે માટે જામનગરના દરેડ ગામે આવેલી માં ગૌદર્શન ગૌશાળાની તેમજ વિભાપર ગામે આવેલી વચ્છરાજ ગૌશાળાની મુલાકાત લીધી હતી.

પશુપાલન મંત્રીએ અનેક સૂચનો કર્યા
આ મુલાકાત દરમિયાન ગૌશાળાના માલિકોને તેમજ પશુપાલન વિભાગને ગૌધનના રહેઠાણની યોગ્ય રીતે સાફ સફાઇ કરવામાં આવે, દવાઓનો છંટકાવ કરવામાં આવે તેમજ લમ્પી વાયરસથી અસરગ્રસ્ત પશુઓને અલગ રાખવામાં આવે જેથી કરીને અન્ય પશુઓને તેનો ચેપ ન લાગે તેવા સૂચનો મંત્રીએ કર્યા હતા. ઉપરાંત જામનગર જિલ્લાના ગૌધનમાં વેક્સિનેશન અંગેની કામગીરી, પશુ એમ્બ્યુલન્સ મારફતે પૂરી પાડવામાં આવતી સુવિધાઓ, પશુઓને આપવામાં આવતા ખોરાક, ગૌશાળાઓમાં સ્વચ્છતા, દવાઓના છંટકાવ વગરેનું નિરીક્ષણ કર્યું હતું.

રખડતા ઢોરને પકડવા તાકીદ કરી
જામનગરમાં પશુપાલન મંત્રી રાઘવજી પટેલે મહાનગરપાલિકામાં ઉચ્ચ અધિકારીઓ તેમજ પદઅધિકારીઓ સાથે રોગચારાની સ્થિતિની સમીક્ષા કરી બેઠક યોજી હતી. આ બેઠકમાં શહેરમાં રસ્તે રજડતા બિન વારસો અને લંપી ગ્રસ્ત ઢોરને પકડીને તેમને ઢોર વાળામાં રાખવા અધિકારીને તાકીદ કર્યા હતા.

​​​​​​​શહેરમાં આવી સાત એમ્બ્યુલન્સ કાર્યરત
મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર રોગચાળાને કાબૂમાં લેવા સતત સક્રિય અને ગંભીર છે. વિસ્તારમાં આ પશુઓ માટે ખાસ પશુ દવાખાના સાથેની એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે. શહેરમાં આવી સાત એમ્બ્યુલન્સ કાર્યરત કરી દેવામાં આવી છે. ઉપરાંત માલિકોના પશુઓ કે જે જાહેરમાં રખડે છે તેમના માલિકોને સખત ચેતવણી પણ આપી દેવામાં આવી છે અને કાર્યવાહી કરવા પર સૂચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત પશુઓના રસીકરણ માટે પર્યાપ્ત માત્રામાં રસીનો જથ્થો પણ મોકલી આપવામાં આવ્યો છે. મૃતક પશુઓના યોગ્ય નિકાલ માટે યોગ્ય જગ્યા જમીન ફાળવવા માટે કલેક્ટર અને અધિકારીને પણ સૂચના આપી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...