જામનગરમાં કલ્યાણ જવેલર્સની પેઢીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા એક યુવાનને ધાક-ધમકી આપી અજાણ્યા શખ્સોએ રૂા.29 હજારની રોકડની લુંટ ચલાવી નાશી જતા ચકચાર મચી જવા પામી છે. ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી બ્રાંચની ઓફિસ બહાર બોલાવી ત્રણેય શખ્સોએ દાદાગીરી કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગરમાં આવેલ કલ્યાણ જવેલર્સ નામની જુદી-જુદી બ્રાંચના મેનેજર તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રભાઇ છોટાભાઇ પરમાર ગત તા.7મી ના રોજ સાડા બાર વાગ્યે ખોડીયાર કોલોની ખાતેની બ્રાંચ ઓફિસે હતા ત્યારે ઓફિસ બહારથી ત્રણ શખ્સોએ તેઓને બોલાવ્યા હતા. ઓફિસ બહાર ગયેલા ધર્મેન્દ્રભાઇને ત્રણેય શખ્સોએ કહ્યું હતું કે, તું કેમ બદનામ કરવા અમારા વિસ્તારમાં આવેલ છો એમ કહી છરી બતાવી ઇજા કરવાનો ભય બતાવી, તેના ખિસ્સામાંથી રૂા.29 હજારની રકમ બળજબરીપૂર્વક કઢાવી લીધી હતી ત્યારબાદ ત્રણેય શખ્સો જુદા-જુદા વાહનોમાં નાશી ગયા હતા. આ બનાવ અંગે જવેલર્સ કંપનીના મેનેજરે ત્રણેય અજાણ્યા શખ્સો સામે સીટી સી ડિવિઝન પોલીસ દફતરમાં આઇપીસી કલમ 384, 385, 114 તથા જીપીએકટ મુજબ ફરિયાદ નોંધાવી હતી.
જેમાં મેનેજર અંધાશ્રમ આવાસ ખાતે તેઓના મિત્રને મળવા ગયા હતા ત્યારે પરત ફરતી વખતે ત્રણેય શખ્સોએ તેનો પીંછો કર્યો હતો અને ઓફિસ પાસે પહોંચી આ વારદાતને અંજામ આપ્યો હતો. પોલીસે આ બનાવ અંગે તપાસ હાથ ધરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.