જામનગરમાં એલસીબીએ ગુનાહિત ઈતિહાસ ધરાવતા 3 શખસોની પાસા હેઠળ અટક કરી ત્રણેયને સુરત-વડોદરા જેલમાં મોકલવા તજવીજ શરૂ કરી છે.જામનગર પંથકમાં હત્યા પ્રયાસ, લૂંટ, ધમકી,મિલકત પચાવી પાડવી,ફાયરીંગ વગેરે જુદા જુદા ગુનામાં સંડોવાયેલા શખસો સામે કડક કાર્યવાહી માટે જીલ્લા કલેકટર સૌરભ પારધી અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ સ્થાનિક ગુના શોધક શાખાને નિર્દેશ આપ્યા હતા.
આથી ઇન્ચાર્જ એલસીબી પીઆઇ કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસે જુદી જુદી અસામાજિક પ્રવૃતિઓમાં સંડોવાયેલા મનાતા ત્રણ શખસો હાજીભાઇ હમીરભાઇ ખફી(રે. મસીતીયા), રાજશી આલાભાઇ ચારણ (રે. હાપા ખારી) અને શીવરાજસિંહ ઉર્ફે શીવો નરેન્દ્રસિંહ જાડેજા (રે.રામનગર,શંકર ટેકરી) સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી જીલ્લા સમાર્હતા સમક્ષ મુકવામાં આવી હતી.
જે દરખાસ્તને જિલ્લા કલેકટરએ મંજુરીની મહોર મારતા સ્થાનિક ગુના શોધક શાખાએ પાસાના વોરંટની બજવણી કરતા આ ત્રણેય સામે અટકાયતી પગલા લીઘા હતા અને ત્રણેયને સુરત લાજપોર મધ્યસ્થ જેલ તથા વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા માટે તજવિજ હાથ ધરી છે. પોલીસે પાસામાં ઘકેલી દિધેલા આ ત્રણેય શખસો સામે હત્યા પ્રયાસ, લૂંટ,ગેરકાયદે હથિયાર રાખવા સહિતના દશથી સતર જેટલા ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયા હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.