જામનગરમા ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી દ્વારા આપતી પ્રતિસાદમાં સ્થાનિક ક્ષમતામાં સુધારો લાવવા માટે “આપદામિત્રોનું અપસ્કેલિંગ” યોજના અમલમાં છે. જે અન્વયે આપતી પ્રતિક્રિયામાં 1 લાખ સ્વયંસેવકોને તાલીમ આપવા પર કેન્દ્રિત છે અને એન. ડી. એમ. એ. આપદામિત્ર યોજનાના સ્કેલિંગ માટે દેશના 350 જિલ્લાઓની ઓળખ કરેલ છે. જેમાં ગુજરાતનાં 17 જિલ્લાઓમાં જામનગર જિલ્લાની પણ ઓળખ થયેલ છે.
ગુજરાત રાજ્ય આપતી વ્યવસ્થાપન સતામંડળ દ્વારા જામનગર જિલ્લા માંથી કુલ 300 આપદામિત્રો તૈયાર કરવાના હોય 86 આપદામિત્રોએ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ રાજકોટ ખાતે 12 દિવસની તાલીમ પૂર્ણ કરી લેતા જામનગર ડીસીસી સ્કૂલ કેમ્પસ તન્ના હૉલ ખાતે કલેકટર ડૉ. સૌરભ પારઘીના અધ્યક્ષ સ્થાને આપદામિત્રોને ઇમરજન્સી રિસ્પોન્ડ કીટ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવા આવ્યું હતું. જેમાં તાલીમાર્થીઓને તાલીમ અંગેનું પ્રમાણપત્ર, કિટ, 5 લાખનો વીમો તેમજ 1200 રૂપિયા સ્ટાઇપેન્ડ ગુજરાત રાજ્ય આપતી વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા આપવામાં આવેલ.
આ કાર્યક્રમમાં કલેકટર ડૉ. સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે જામનગર જિલ્લાના આપદામિત્રોની કામગીરી ખૂબ જ પ્રશંસનીય છે. પૂર હોય કોરોના મહામારી હોય કે વાવાઝોડું હોય તેઓ લોકોની સેવા માટે હંમેશા તત્પર છે. પોતાના પરિવારની ચિંતા કર્યા વગર લોકો માટે ખડેપગે હોય છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કોઈપણ દુર્ઘટના સમયે લોકોને તુરંત જ મદદ મળી રહે તે દિશામાં આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે. પોલીસ અને હોમગાર્ડ્સ જવાનો લોકોને જોખમમાંથી બહાર લાવે છે. અને જિલ્લાના લોકોની મદદ માટે તેઓ હંમેશા તત્પર રહે છે. આપણાં જિલ્લામાંથી વધુમાં વધૂ આપદામિત્રો તૈયાર થાય તે દિશામાં પગલાં લેવા જોઈએ. જે મિત્રોએ તાલીમ પૂર્ણ કરી છે તે તમામને ખૂબ ખૂબ અભિનંદન.
જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે એવું કોઈ કાર્ય નથી જેમાં પોલીસ વિભાગને હોમગાર્ડ્સની જરૂર ન પડી હોય. હંમેશા તત્પર રહેવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. જિલ્લાના હોમગાર્ડ્સની કામગીરી સરાહનીય છે. આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ ઓફિસર માનસીસિંગ દ્વારા આપતકાલીન કિટની જરૂરિયાત અને ઉપયોગ વિષે સમજણ આપવામાં આવી હતી. તેમજ જિલ્લા કમાન્ડન્ટ સુરેશભાઈ ભીંડી, લીગલ અધિકારી ગિરીશભાઈ સરવૈયા, વિદ્યોતેજક મંડળના આર. એમ. વિઠ્ઠલાણી, મામલતદાર વી. આર.માંકડીયા, એમ પી ત્રિવેદી અન્ય અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં હોમગાર્ડ્સ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.