રાજયના શહેર બાદ જિલ્લામાં 18 થી 44 વયના લોકોને કોરોના પ્રતિરોધક રસી આપવાનું સરકાર દ્વારા શરૂ કરાયું છે. જે અંતર્ગત જામનગર જિલ્લામાં રસીકરણ માટે યુવાઓમાં ઉત્સાહ જોવા મળતાં બે દિવસમાં 12000ના લક્ષ્યાંક સામે 6917 લોકોએ રસી લેતા 50 ટકાથી વધુનો લક્ષ્યાંક પૂર્ણ થયો છે. યુવાઓમાં જાગૃતિના કારણે ગણતરીની મિનિટોમાં રસીના સ્લોટ ફુલ થઇ રહ્યા છે. કોરોનાની બીજી લહેર ઘાતક નિવડતા અને રસીકરણ માટે જાગૃતિથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર વેક્સિનેશન માટે યુવાન-યુવતીઓની કતારો જોવા મળી રહી છે.
રાજયની સાથે જામનગર જિલ્લામાં 4 મે થી 18 થી 44 વય જૂથના લોકોને કોરોના પ્રતિરોધક રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે એટલ કે 4 મે ના જિલ્લામાં 23 આરોગ્ય કેન્દ્ર પર કુલ 6000 યુવાઓને રસી આપવાનો લક્ષ્યાંક તંત્ર દ્વારા નકકી કરાયો હતો. જેની સામે 3550 લોકોએ રસી લીધી હતી.
આ જ રીતે બીજા દિવસે એટલે કે 5 મે ના જિલ્લાના 25 આરોગ્ય કેન્દ્ર પર 6000 યુવાઓને રસી આપવાના તંત્રના લક્ષ્યાંક સામે 3367 લોકોએ રસી લીધી હતી. જિલ્લામાં યુવાઓમાં રસીકરણ માટે પ્રારંભથી ઉત્સાહ જોવા મળતાં બે દિવસમાં લક્ષ્યાંકની સામે 50 ટકાથી વધુ લોકોએ રસી લીધી છે.
ગ્રામ્ય વિસ્તારોમાં 45 થી વધુ વયના લોકો રસી લેવામાં ઉદાસીન
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 45 થી વધુ વયના લોકો કોરોના પ્રતિરોધક રસી લેવામાં ઉદાસીનતા દાખવી રહ્યાનું ચિત્ર ઉપસ્યું છે. કારણ કે, શુક્રવારે 45 થી 60 વયના 271, 60 થી વધુ વયના 51 લોકોએ તો શનિવારે 45 થી 60 વયના 228 અને 60 થી વધુ વયના 22 લોકોએ રસી લીધી હોવાનું નોંધાયું છે.
18 થી 44 વયજુથમાં જામજોધપુર, કાલાવડ તાલુકો રસીકરણમાં આગળ
જામનગર જિલ્લામાં 18 થી 44 વય જૂથના લોકોને બે દિવસથી કોરોના પ્રતિરોધક રસી આપવાનુ શરૂ કરાયું છે. ત્યારે જિલ્લામાં જામજોઘપુર તાલુકામાં બે દિવસમાં 2400 ના લક્ષ્યાંક સામે 1403, કાલાવડ તાલુકામાં 1451 લોકોએ રસી લીધી છે. જયારે જામનગર તાલુકમાં 2600 ના લક્ષ્યાંક સામે 1344 લોકોએ રસી લીધી હોવાનું નોંધાયું છે. જયારે જોડિયા તાલુકામાં બે દિવસમાં 1200ના લક્ષ્યાંક સામે 384, ધ્રોલ તાલુકામાં 1200ના લક્ષ્યાંક સામે 705 લોકોએ વેક્સિનેનશન કરાવયું હતું તો લાલપુર તાલુકામાં 18 થી 44 વય જૂથના લોકોના બે દિવસના 2200ના લક્ષ્યાંક સામે 1330 લોકોએ કોરોના પ્રતિરોધક રસી લીધી હોવાનું નોંધાયંુ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.