તબીબી તપાસ:જામનગરમાં ધૂપના ધૂમાડાથી 50 લોકોને આંખોમાં બળતરા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માતાજીના માંડવામાં ધૂપ થયો અને લોકોને આંખો બળવા માંડતા હોસ્પિટલ દોડવું પડ્યું : ઇન્ફેકશન અંગે તબીબી તપાસ

જામનગરના પટેલનગર વિસ્તારમાં રહેતા નાના બાળકો- મહિલાઓ-અને વૃદ્ધ સહિત 50થી વધુ વ્યક્તિને આંખોમાં ઇન્ફેક્શન અને બળતરા થવાથી તાત્કાલિક અસરથી વહેલી સવારે સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા અને તમામને સારવાર કરીને રજા આપી દેવાઇ છે. જ્યારે કેટલાક લોકોએ ખાનગી હોસ્પિટલોમાં પણ સારવાર મેળવી છે.

સ્થાનિક વિસ્તારમાં માતાજીના માંડવામાં ધૂપ દીપ કરાયો હતો, જેના ધુમાડાના કારણે ઇન્ફેક્શન થયું હોવાનું અનુમાન લગાવાયું છે. સમગ્ર મામલે આરોગ્ય તંત્ર તપાસ ચલાવી રહયું છે.જામનગરના પટેલનગર વિસ્તારમાં રહેતા વાવડીવાળા વાઘેલા પરિવાર દ્વારા માતાજીનો માંડવો રાખવામાં આવ્યો હતો. જે માંડવાના કાર્યક્રમમાં આસપાસના વિસ્તારના નાના બાળકો મહિલા અને વૃદ્ધ વગેરે હાજર રહ્યા હતા. જ્યાં માતાજીની સમક્ષ ધૂપ કરાયો હતો અને ધુમાડો થયો હતો. જે ધુમાડાના કારણે આસપાસના વિસ્તારના કેટલાક નાગરિકોને અસર થઈ હતી અને આખો બળવા લાગી હતી.

દરમિયાન આજે સવારે 50થી વધુ સ્થાનિક વિસ્તારના નાગરિકો આંખની ફરિયાદને લઈને જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં આંખના વિભાગના તબીબો દ્વારા તમામને ટીપાં વગેરે સહિતની જરૂરી દવાઓ આપી અને તમામને રજા આપી દેવામાં આવી હતી અને 24થી 48 કલાકમાં ઇન્ફેક્શન દૂર થઈ જાય તેવું જણાવ્યું હતું. આ બનાવની જાણ થવાથી જામનગર મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે, અને કયા પ્રકારે ઇન્ફેક્શન લાગ્યું છે, વગેરેની તપાસ કરવામાં આવી રહી છે.

ધુમાડા અથવા તો કોઈ સામગ્રીથી આવું થાય: ડોક્ટર
જી.જી. હોસ્પિટલમાં બુધવારે સવારે આંખના વિભાગમાં સારવાર માટે આવેલા મોટાભાગના લોકોને આંખોમાં માઈલ્ડ ઈન્ફેેકશન હતું. જેને સારવાર આપીને જવા દેવામાં આવ્યા છે. આવું લાંબા સમય ધુમાડામાં બેસી રહેવાથી થાય અથવા તો કોઈ એવી સામગ્રી સળગાવવામાં આવે તો આંખમાં બળતરા આવી થાય.> ડો. દેવદત્ત ગોહિલ, આંખ વિભાગ, જી.જી. હોસ્પિટલ, જામનગર.

શું હતો પ્રસંગ ?
પટેલનગરમાં માતાજીનો માંડવો હતો જેમાં ભુવા આવે અને ધૂપ કરવામાં આવે. આ ધૂપના કારણે જ આંખોની બળતરા થઈ હોવાનું જાણવા મળે છે. બીજી બાજુ હેલોઝનની લાઈટ પણ તૂટી હતી જેના પ્રકાશના કારણે પણ લોકોને આંખ બળવાની ફરિયાદ હતી.

અન્ય સમાચારો પણ છે...