સમસ્યા:જામનગરમાં પાણીની મુખ્ય પાઇપલાઇનમાં લીકેજથી 31,000 પરિવારને પાણી ન મળ્યું

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોલેરિયમ, સર્મપણ, બેડી, નવાગામ ઝોનમાં રવિવારે પાણી વિતરણ કરવામાં આવશે : છાશવારે લીકેજને કારણે લોકોમાં ભારે રોષ
  • તૂટેલી પાઇપલાઇન ખાલી કરતા પાણીના તલાવડા અને રબડી રાજથી લોકો પરેશાન થયા
  • શનિવારે​​​​​​​ ઓચિંતા પાણીકાપથી શહેરીજનોમાં દેકારો બોલી ગયો હતો: વસંતવાટિકા પાસે પાણીની રેલમછેલ થતા આવાગમનમાં મુશ્કેલી પડી હતી

જામનગરમાં પાણીની મુખ્ય પાઇપલાઇનમાં લીકેજથી સોલેરિયમ, સર્મપણ, બેડી, નવાગામ ઝોનમાં શનિવારે ઓચિંતા પાણીકાપથી ચારેય ઝોનના 31000 પરિવારને પાણી ન મળતાં ભારે દેકારો બોલી ગયો હતો. વસંતવાટિકા પાસે પાઇપલાઇન લીકેજ થતાં પાણીની રેલમછેલ થઇ ગઇ હતી. આ ચારેય ઝોનમાં રવિવારે પાણી વિતરણ કરવામાં આવશે.

જામનગરમાં પમ્પહાઉસથી શહેરમાં આવતી પાણીની મુખ્ય પાઇપલાઇનમાં શુક્રવારે સાંજે લીકેજ થયું હતું. જેના કારણે સોલેરિયમ, સમર્પણ, બેડી, નવાગામ ઝોનમાં શનિવારે પાણી વિતરણ ઠપ્પ થઇ ગયું હતું. ચારેય ઝોનમાં અચાનક પાણીકાપથી 31000 જેટલા પરિવારને પાણી ન મળતાં ભારે દેકારો બોલી ગયો હતો.

જો કે, મનપાની વોટર વર્કસ શાખા દ્વારા પાણીની પાઇપલાઇનની લીકેજનું સમારકામ હાથ ધરાયું હતું. આથી આ ચારેય ઝોનમાં રવિવારે પાણી વિતરણ કરવામાં આવશે તેમ વોટર વર્કસ શાખાના અધિકારીઓએ જણાવ્યું હતું.

15 થી 17 ફુટ ઉંડી પાણીની મુખ્ય લાઇનમાં લીકેજથી સમસ્યા
જામનગરમાં પમ્પહાઉસથી શહેરમાં આવતી પાણીની મુખ્ય પાઇપલાઇન કે જે જમીનમાં 15 થી 17 ફુટ ઉંડી હોય તેમાં વસંતવાટિકા પાસે લીકેજ થયું હતું. જેના કારણે સોલેરિયમ, સર્મપણ, બેડી, નવાગામ ઝોનમાં પાણી વિતરણ ન થતાં 1 થી 1.25 લાખ લોકોને અસર થઇ છે. આ ચારેય ઝોનમાં રવિવારે પાણી વિતરણ કરાશે.

પાઇપલાઇનનું 17 કલાક રીપેરીંગ કામ ચાલ્યું
શહેરમાં વસંતવાટિકા પાસે પાણીની મુખ્ય પાઇપલાઇન શુક્રવારે લીકેજ થતાં મનપાની વોટર વર્કસ શાખા દ્વારા યુધ્ધના ધોરણે રીપેરીંગ હાથ ધરાયું હતું. પરંતુ પાઇપલાઇન ઉંડી હોય ખોદકામ કરવું જરૂરી હોય પ્રથમ વીજપોલ વીજકંપનીએ દૂર કર્યો હતો. બાદમાં ખોદકામ કરી પાઇપલાઇન ખાલી કરી રીપેરીંગ કરાયું હતું. આ કામગીરી 17 કલાક ચાલી હતી.

જામનગરમાં વસંતવાટિકા પાસે પાણીની મુખ્ય પાઇપલાઇન લીકેજ થતાં સમારકામ હાથ ધરાયું હતું. પરંતુ સમારકામ પહેલા ખોદકામ કરી પાણીની લાઇન ખાલી કરવામાં આવતા વસંતવાટિકા અને આજુબાજુ પાણીની રેલમછેલ થઇ ગઇ હતી તો ખોદકામના કારણે રબડીરાજની સ્થિતિ સર્જાઇ હતી. જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને આવાગમનમાં ભારે મુશ્કેલી પડતા રોષની લાગણી ફેલાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...