તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:હાલારમાં 1 વર્ષમાં 21,774 ટ્રાન્સફોર્મર ફેઇલ થયા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટી એન્ડ ડી લોસ સાથે કુદરતી આફત, સમયનો માર અને ટ્રાન્સફોર્મરની કેપેસીટી કરતા વધુ વીજ વપરાશ કારણભૂત
  • પશ્ચિમ ગુજરાત વીજકંપનીને કુલ રૂ. 26.18 કરોડનો ખર્ચ, શહેરી વિસ્તારમાં ગત વર્ષે 656 ટ્રાન્સફોર્મર બદલાયા : 1 ટ્રાન્સફોર્મર બદલવા રૂા. 1200 થતો ખર્ચ

હાલારમાં ટી એન્ડ ડી લોસ સાથે કુદરતી આફત, સમયનો માર અને ટ્રાન્સફોર્મરની કેપેસીટી કરતા વધુ વીજ વપરાશ થતા ટ્રાન્સફોર્મર ફેઇલ થવાની સમસ્યા પીજીવીસીએલ માટે એક સળગતો પ્રશ્ન બન્યો છે. કારણ કે વર્ષ 2020 - 21માં હાલારમાં કુલ 21774 ટ્રાન્સફોર્મર ફેલ થયા છે. જેના કારણે પશ્ચિમ વીજ કંપનીને 26.18 કરોડનો ખર્ચ થયો હતો. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલના 1.5 લાખ ટ્રાન્સફોર્મર કાર્યરત છે.

છેલ્લાં 1 વર્ષ દરમિયાન કુદરતી આફત, સમયનો માર અને ટ્રાન્સફોર્મરનની કેપેસીટી કરતા વધુ વીજ વપરાશ થવાના કારણે જામનગર સીટી 1 અને 2, જામનગર ગ્રામ્ય, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકામાં સહિતના વિસ્તારોમાં 21118 ટ્રાન્સફોર્મર ફેઇલ થયા હતાં. આથી પશ્ચિમ ગુજરાત વીજ કંપનીને રૂ. 22.47 કરોડ ખર્ચ થયો હતો. જ્યારે જામનગર શહેરી વિસ્તારમાં 6 મુખ્ય ડિવિઝન હેઠળ આવેલા 32 સબડિવિઝનમાં 6851 ટ્રાન્સફોર્મર કાર્યરત છે.

જેમાંથી 656 ટ્રાન્સફોર્મર ફેલ થતા નવા મૂકવામાં આવ્યા હતાં. આથી પીજીવીસીએલને રૂ. 3.71 કરોડનો ખર્ચ થયો હતો. સામાન્ય રીતે ટ્રાન્સફોર્મર કુદરતી આફત એટલે કે ભારે વરસાદ, વાવાઝોડું, વીજળીને કારણે તો સમયના માર એટલે કે ઘસારાને કારણે ફેલ થઈ જાય છે. આ ઉપરાંત ઋતુ પ્રમાણે પાવરના વપરાશ થતો ફેરફાર પણ કારણભૂત છે. એક ટ્રાન્સફોર્મર બદલાવવામાં અંદાજે રૂ.1200 ખર્ચ થાય છે. વીજ પુરવઠાની સિસ્ટમની સુધારણા માટે નવું વીજ જોડાણ અથવા નેટવર્ક સુધારવા વીજ ઓવરલોડને ઘટાડવા માટે નવા ટીસી મુકાતા હોય છે.

વીજલોડમાં વધારો રોકવો અશક્ય છે
વીજ ટ્રાન્સફોર્મર અને વીજ લાઈનો અને ઓછું નુકસાન થાય તે માટે સમયાંતરે સમારકામ તથા ચોમાસા પહેલા પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવે છે. પરંતુ વીજચોરી અને વીજ વપરાશને કારણે થતો લોડ વધારો રોકવો અશક્ય હોવાથી ટ્રાન્સફોર્મરોને વ્યાપક નુકસાન થતાં બળી જતાં તથા ફેલ થતાં હોવાનું વીજ કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું.

નોન ગેરેન્ટી પિરિયડવાળા ટ્રાન્સફોર્મરનો ખર્ચ વીજકંપનીને ભોગવવો પડી રહ્યો છે
ટ્રાન્સફોર્મર કરવા પાછળ અંદાજે 4થી 5હજારનો ખર્ચ થાય છે. જેમાં 50 ટકા ટ્રાન્સફોર્મર ગેરેન્ટી પિરિયડ વાળા હોવાથી કંપની દ્વારા મરામત કરાવવામાં આવે છે જ્યારે અન્ય 50 ટકા વીજ ટ્રાન્સફોર્મર નોન ગેરેન્ટી પિરિયડ હોવાથી તેનો ખર્ચ વીજ કંપનીને ભોગવવો પડે છે.

વ્યાપક વીજચોરીના કારણે ટ્રાન્સફોર્મર બળી જતાં વીજ તંત્રને મસમોટું નુકસાન
ખેતીવાડી વિસ્તારના ટ્રાન્સફોર્મરોમાં વ્યાપક વીજચોરી થતી હોય છે. આથી ટ્રાન્સફોર્મરમાં ઓવરલોડના કારણે અંદાજે 70 ટકા વીજ ટ્રાન્સફોર્મરો બળી જતાં હોય છે. ઉપરાંત સપ્ટેમ્બરથી ડિસેમ્બર માસ સુધી વાવેતરની સીઝન હોવાથી વીજ પુરવઠાનો ઉપયોગ વધુ થવાથી પણ ટ્રાન્સફોર્મર મસમોટું નુકસાન થતું હોય છે. તો ઘણા કિસ્સામાં ઓવરલોડ સહિતની સમસ્યાના કારણે ટ્રાન્સફોર્મરો ફેઇલ થતા હોવાનું વીજકંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...