દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા તાલુકા પંચાયત કચેરીમાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા એક અધિકારી સહિત અન્ય ત્રણ શખ્સોની કાર ઓટો કન્સલ્ટન્ટ પેઢી ચલાવતા શખ્સે બારોબાર વેચી મારી છેતરપિંડી આચરી હતી. જેને લઈ પોલીસે આ પેઢી સંચાલક સામે છેતરપિંડી સબબ ફરિયાદ નોંધી છે.
ખંભાળીયામાં તાલુકા પંચાયત કચેરીમાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા મેસુર ખીમાભાઈ આંબલીયાએ સ્ટેશન રોડ, પટેલ બેટરી પાસે, આવેલી મહાદેવ ઓટો કન્સલ્ટ નામની ઓફિસના સંચાલક-માલિક મારખી નેભા હાથલિયા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જૂની ગાડીઓ લે-વેચ કરતા આ શખ્સને અધિકારીએ પોતાની જૂની કાર રૂપિયા 2.80 લાખમાં વેચાણ કરવા આપી હતી. પરંતુ સમય ઘણો વીતી જવા છતાં પેઢી ધારક તરફથી કોઈ જવાબ ન મળતા ઓફીસ સુધી તપાસ કરાવી હતી.
આ તપાસમાં આરોપીએ પોતાની પેઢીને તાળા મારી રફુચક્કર થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. છતાં પણ અધિકારીએ તેનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેનો મોબાઈલ બંધ આવતો હતો. ઓફીસ સુધી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપીએ સરકારી અધિકારી ઉપરાંત અન્ય ત્રણ આસામીઓ પાસેથી જૂની કાર વેચાણ અર્થે લઈ બારોબાર વેચી મારી જે તે માલિકોને પૈસા પણ આપ્યા ન હતા.
આ ઉપરાંત ખંભાળીયાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ આરોપીએ આ જ રીતે વાહનો લઇ બારોબાર વેચી માર્યા હોવાની ફરિયાદો ઉઠી હતી. જેથી સરકારી કર્મચારીએ પોતાની તથા અન્ય ત્રણ આસામીઓની કાર બારોબાર વેચાણ કરી નાખવા સબબ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને ખંભાળીયા પોલીસે આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.