દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં અંદાજિત 89,925 ખેડૂતોના બેન્ક ખાતામાં રકમ જમા કરવામાં આવી છે. રાજ્ય સરકારે નાના અને સીમાંત ખેડૂતોની આવકમાં વધારો કરવાના ઉદેશથી 01/12/2018થી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત ખેડૂત કુટુંબને પ્રતિવર્ષ રૂ.6,000 ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી ત્રણ સમાન હપ્તામાં ચાર માસના અંતરે ચુકવવામાં આવે છે.દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂત પ્રફુલભાઇ ગોરફાડે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશે જણાવ્યું કે, હાલમાં ખેતી કામ કરી ગુજરાન ચલાવું છું.
પહેલા ઘણી વાર એવું બનતું કે ચોમાસુ માથે હોય અને વાવણી કરવાનો સમય થઇ ગયો હોય પરંતુ પૈસાના હોવાના કારણે બિયારણ લેવાનો પ્રશ્ન ઉદભવતો પરંતુ સરકારની આ યોજનાથી એ પ્રશ્નનો ઉકેલ આવી ગયો છે. અને સમયસર બિયારણ લઇ શકું છું. જેના કારણે પાક ઉગાડવામાં પણ મોડું નથી થતું.
વધુમાં પ્રફુલ ભાઈએ જણાવ્યું કે, માત્ર બિયારણ જ નહીં પણ તાલપત્રી, યુરિયા જેવી અનેક ખેતી માટેની જરૂરી વસ્તુઓ આસાનીથી ખરીદી શકું છું. સરકારની આ યોજનાથી મારા ખાતામાં જ સીધા પૈસા ટ્રાન્સફર થઇ જાય છે. અને મારે કોઈ પણ કચેરીના ધક્કા ખાવા પડતા નથી. જેથી કરી ખેતીકામમાં વધુ ધ્યાન આપી શકું છું. અને ખાતામાં પુરા 2,000 રૂપિયા મળી રહે છે.
આમ સમયસર સહાય મળી રહેતા ખેતીમાં પણ સમયસર કામ થઇ શકે છે.આગળ અન્ય ખેડૂતોને પણ પ્રધાનમંત્રીની આ યોજનાનો લાભ લેવા અનુરોધ કરતા પ્રફુલભાઈએ જણાવ્યું કે, મારી જેમ અન્ય ખેડૂતોને પણ આવી મુશ્કેલીનો સામનો કરવો પડતો હશે. માટે નાના અને સીમાંત ખેડૂતો આ યોજનાનો લાભ લઇ આવકની સાથે સાથે ખેત ઉત્પાદન પણ વધારી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.