જામનગરમાં અકાળે બે યુવકોના મોતની ગોજારી ઘટના આવી છે. પહેલી ઘટનામાં જામનગરના દરેડ ગામમાં મજૂરી કામ કરતો યુવક પાણીના ખાડામાં પડી જતાં તેનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. જ્યારે બીજી ઘટનામાં જામનગર શહેરના વાલ્કેશ્વરીનગરીમાં હોસ્પિટલમાં સિકયોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો યુવાન તેની નોકરી દરમિયાન અચાનક પડી જતાં માથામાં અને કપાળમાં ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતું.
પહેલી ઘટના
જામનગરના પાણાખાણા વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતો 18 વર્ષીય વિકી લક્ષ્મણભાઈ ચૌધરી બુધવારે સાંજના સમયે દરેડ ગામમાં સંસ્કાર સ્કૂલ પાસે આવેલા પાણીના ખાડામાં કોઇ કારણસર પડી જતા ડૂબી ગયો હતો. આ અંગેની જાણ થતા એએસઆઈ ડી.સી. ગોહિલ તથા સ્ટાફે બનાવ સ્થળે પહોંચી જઈ સ્થાનિક તરવૈયાની મદદથી યુવકનો મૃતદેહ બહાર કાઢી ઓળખ મેળવી શંકરભાઈ ચૌહાણના નિવેદનના આધારે પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે યુવકનું મોત અકસ્માતે થયું કે આપઘાત છે? તે અંગેની તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ
જામનગર શહેરના ધરારનગર-2 વિસ્તારમાં મહેબુબશાહ પીરની દરગાહની બાજુમાં રહેતા ગંભીરસિંહ જગતસિંહ ઝાલા વાલ્કેશ્વરીનગરીમાં આવેલી તકવાણી હોસ્પિટલમાં સિકયોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતાં અને આ ફરજ દરમિયાન ગુરૂવારે બપોરના સમયે ફરજ પર હતા. ત્યારે અકસ્માતે પડી જતા માથામાં તેમજ કપાળમાં તથા નાકમાં ગંભીર ઈજા પહોંચી હતી. બાદમાં ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે જયદીપસિંહ ઝાલા દ્વારા જાણ કરાતા હેકો વાય.એમ.વાળા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.