સળગતી સમસ્યા:દરેડ GIDCમાં માર્ગો મગરની પીઠ, ઉદ્યોગકારો ત્રાહિમામ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફેસ-2 અને 3 માં માર્ગો પર ખાડાનું સામ્રાજય, નવા માર્ગ તો દૂરની વાત પરંતુ યોગ્ય રીપેરીંગ કરવામાં પણ ન આવતા ભારે આક્રોશ
  • બિસ્માર માર્ગોથી આવાગમનમાં પારાવાર મુશ્કેલી: સતત ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકો પરેશાન: માર્ગોમાં ગાબડાના કારણે અકસ્માતનો ખતરો

જામનગરના દરેડ જીઆઇડીસી એટલે કે ઉધોગનગરમાં માર્ગો મગરની પીઠ બનતા ઉધોગકારો ત્રાહિમામ પોકારી ગયા છે. જીઆઇડીસી ફેસ-2 અને 3 માં માર્ગો પર ખાડાના સામ્રાજયથી આવાગમનમાં પારાવાર મુશ્કેલી પડી રહી છે. નવા માર્ગો તો દૂરની વાત યોગ્ય રીપેરીંગ પણ કરવામાં ન આવતા કારખાનેદારોમાં ભારે આક્રોશની લાગણી ફેલાઇ છે. વળી, બિસ્માર માર્ગોથી સતત ધૂળની ડમરીઓ ઉડી રહી છે તો માર્ગોમાં મસમોટા ગાબડાના કારણે અકસ્માતનો ખતરો ઝંળુબી રહ્યો છે.

દરેડ ઉધોગનગરમાં છેલ્લા ત્રણેક વર્ષથી માર્ગો બિસ્માર હાલતમાં છે. આમ છતાં નવા માર્ગો બનાવામાં આવતા નથી. જેના કારણે હયાત માર્ગોમાં બે થી ત્રણ ફુટના ખાડા પડી ગયા છે. આથી ઉધોગકારોને આવાગમનમાં પારાવાર મુશ્કેલી પડી રહી છે તો ખાડાના કારણે અકસ્માતનો ખતરો ઝંળુબી રહ્યો છે. મોટા ભાગના માર્ગોમાં મસમોટા ગાબડા પડી ગયા છે.

જેના કારણે માર્ગો ધૂળિયા બનતા સતત ધૂળની ડમરી ઉડતા મુશ્કેલી બેવડાઇ છે. માર્ગો પર ગાડામારગમાં ફેરવાતા કમરનો દુ:ખાવો વધારી રહ્યા છે. આમ છતાં માર્ગો યોગ્ય રીપેરીંગ કે નવા બનાવામાં ન આવતા ઉધોગકારો અને ઉધોગમાં કામ કરતા કર્મચારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

માર્ગોનું એસ્ટીમેટ મોકલાયું છે, ટૂંક સમયમાં ટેન્ડર બહાર પડશે
દરેડ જીઆઇડીસી ફેસ-2 અને 3 માં માર્ગો 80:20 ની સ્કીમમાં એટલે કે 80 ટકા નાણાં સરકાર આપે અને 20 ટકા નાણાં ઉધોગકારો ભોગવે તેમાં બનાવાના છે. આ માટે ફેસ-2 અને 3 ના માર્ગોનું એસ્ટીમેટ તૈયાર કરી જીઆઇડીસીમાં મોકલવામાં આવ્યું છે. જે મંજૂર થતાં આગામી ટૂંક સમયમાં માર્ગોના ટેન્ડર બહાર પડશે. > દિનેશભાઇ ડાંગરિયા, પ્રમુખ, દરેડ જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન, જામનગર.

ત્રણ-ત્રણ વર્ષથી ઉબડખાબડ માર્ગો કમરના દુ:ખાવા વધારી રહ્યા છે
છેલ્લાં ત્રણ વર્ષથી દરેડ જીઆઇડીસી ઉધોગનગર ફેસ-2 અને 3 માં માર્ગો ગાડા મારગમાં ફેરવાયા છે. ત્યારે માર્ગોનું નવીનીકરણ તો દૂરની વાત રહી રીપેરીંગ કામ પણ કરવામાં ન આવતા ઉધોગકારો ત્રાહિમામ પોકારી ગયા છે. આટલું જ નહીં ઉબડખાબડ માર્ગો કમરના દુ:ખાવા વધારી રહ્યા છે. આમ છતાં માર્ગો નવા બનાવામાં આવશે તેવું ગુલબાંગો ફેંકવામાં આવી રહી છે. જેના કારણે ઉદ્યોગકારો અને ઉદ્યોગમાં કામ કરતા કારીગરો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...