વ્યાજખોરોનો ત્રાસ:ભાણવડમાં બે વ્યાજખોરોએ ઊંચું વ્યાજ વસૂલી ખેડૂતના પ્લોટ પડાવ્યા, આઠ વિઘા જમીન પર પણ નજર બગાડતાં ખેડૂતે ફરિયાદ નોંધાવી

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ પ્રતિકાત્મક તસવીર છે - Divya Bhaskar
આ પ્રતિકાત્મક તસવીર છે
  • યુવાન ખેડૂતને ધમકીઓ આપી શારિરીક, માનસિક તેમજ આર્થિક રીતે પાયમાલ કર્યો
  • ખેડૂતે ભાણવડ પોલીસનો સહારો લેતાં બંને શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રેટા કાલાવડ ગામે એક ખેડૂતને વ્યાજના વિષચક્રમાં ફસાવી બે વ્યાજખોરોએ ચક્રવૃદ્ધિ વ્યાજથી પણ વધારે વ્યાજ વસૂલ્યું હતું. તેમજ તેના પ્લોટ પચાવી પાડી આઠ વિઘા જમીન હડપી જવા ધાક ધમકીઓ આપતા ખેડૂતે પોલીસનો આશરો લઈ બંને શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

ભાણવડના રેટા કાલાવડ ગામે રહેતા સુરેશભાઇ ગોવિંદભાઇ કારેણા નામના યુવાન ખેડૂતને વશરામ કેશાભાઇ પાથર તથા મનસુખ સવજી નકુમે ઊંચા વ્યાજના દરથી રકમ વ્યાજે આપી હતી. સમય જતાં આ બે શખ્સોએ યુવાન પાસેથી ઊંચું વ્યાજ વસૂલી તેના મોંઘા પ્લોટ પચાવી પાડ્યા હતા.

યુવાને મુદ્દલ રકમ ઉપર ચક્રવૃદ્ધિ વ્યાજથી પણ વધારે વ્યાજ ચુકવ્યું હતું. છતા બંને શખ્સોએ કોર્ટ કેસ કરી સજા કરાવી જેલમાં મોકલવાની ધમકીઓ આપી હતી. આરોપીઓએ તેના પ્લોટો પોતાના નામના દસ્તાવેજો કરાવી લીધા હતા. ત્યાર બાદ પણ મોટી રકમની પઠાણી ઉઘરાણી કરી યુવાનને સતત મારી નાખવાની ધમકીઓ આપી-અપાવી હતી.

વધુમાં આરોપીઓએ સતત ડરાવી ધમકાવી સુરેશ તથા તેના ભાઇની સંયુક્ત માલિકીની આઠ વિઘા જગ્યા જબરદસ્તીથી તેમના નામે દસ્તાવેજ કરી લેવાના ઇરાદા સાથે કોર્ટમાં અલગ અલગ આઠ દાવાઓ કર્યા હતા. દરમિયાન કોર્ટની તારીખમાં આવેલા યુવાનને રસ્તામાં જ જાનથી પતાવી દેવાની ધમકીઓ આપી શારિરીક, માનસિક તેમજ આર્થિક રીતે પાયમાલ કરવા કૃત્ય આચર્યું હતું. જેથી સુરેશભાઇએ ભાણવડ પોલીસનો સહારો લેતાં પોલીસે બંને શખ્સો સામે આઇપીસી કલમ- 386, 506, 114, તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ 2011ની કલમ - 5, 40 તથા 42 મુજબ ફરિયાદ નોંધી આરોપીઓની ભાળ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...