CMની શૈલેષ પરમારને 'ઓફર':જામનગરમાં કારમાં બેસી મુખ્યમંત્રીએ કોંગ્રેસના ધારાસભ્યને કહ્યું- 'તમારે આવવાનું હોય તો બેસી જાઓ હાલો'

જામનગર11 દિવસ પહેલાલેખક: હિરેન હિરપરા
  • મુખ્યમંત્રીના શબ્દો સાંભળી કૉંગ્રેસી ધારાસભ્ય હસી પડ્યા
  • જામનગરમાં ભાગવત સપ્તાહમાં મુખ્યમંત્રી હળવી શૈલીમાં જોવા મળ્યા

જામનગરમાં ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં આજે વધુ એક કૉંગ્રેસી ધારાસભ્ય ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા હતા. અમદાવાદની દાણીલીમડા બેઠકના કૉંગ્રેસી ધારાસભ્ય શૈલેષ પરમાર જામનગરમાં મુખ્યમંત્રી સહિતના ભાજપના નેતાઓ સાથે હાજર જોવા મળ્યા હતા. કાર્યક્રમમાંથી જતા સમયે મુખ્યમંત્રીએ શૈલેષ પરમારને કહ્યું હતું કે તમારે આવવાનું હોય તો બેસી જાઓ હાલો. આ સાંભળી શૈલેષ પરમાર હસી પડ્યા હતા.

ધર્મેન્દ્રસિંહ જાડેજાના યજમાનપદે ચાલી રહેલી સપ્તાહમાં શૈલેષ પરમારની હાજરી
જામનગરમાં ભાઈશ્રી રમેશ ઓઝાની ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં રોજબરોજ નવી રાજકીય તસવીરો જોવા મળી રહી છે. આજે અમદાવાદની દાણીલીમડા બેઠકના કૉંગ્રેસી ધારાસભ્ય શૈલેષ પરમારે કથામાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં મુખ્યમંત્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિતના ભાજપના નેતાઓએ પણ હાજરી આપી હતી. શૈલેષ પરમાર ભાજપના નેતાઓ સાથે એક જ મંચ પર જોવા મળ્યા હતા.

મુખ્યમંત્રીની ઓફર સાંભળી પરમાર હસી પડ્યા
ભાગવત સપ્તાહમાં હાજરી આપ્યા બાદ મુખ્યમંત્રી કાર્યક્રમ સ્થળ પરથી રવાના થયા હતા. ત્યારે ભાજપના નેતાઓ સાથે શૈલેષ પરમાર પણ મુખ્યમંત્રીને કાર સુધી છોડવા આવ્યા હતા. ત્યારે મુખ્યમંત્રીએ પરમારને કહ્યું હતું કે તમારે આવવાનું હોય તો બેસી જાઓ હાલો. આ સમયે હાજર અન્ય ભાજપના નેતાઓ પણ શૈલેષ પરમારને મુખ્યમંત્રીની કારમાં બેસાડવા આતુર જણાતા હતા. જોકે શૈલેષ પરમાર બેસ્યા નહોતા.

શૈલેષ પરમાર કૉંગ્રેસના સતત ત્રણ ટર્મથી જીત મેળવતા ધારાસભ્ય
અમદાવાદની દાણીલીમડા બેઠક પરના સીટિગ MLA શૈલેષ પરમાર સતત ત્રણ ટર્મથી જીત મેળવતા કૉંગ્રેસી ધારાસભ્ય છે. અમદાવાદમાં ભાજપની પકડ મજબૂત હોવા છતાં ભાજપ સતત બે ટર્મથી દાણીલીમડા બેઠક પર જીત મેળવી નથી શકી. પરમાર વર્ષ 2007માં શહેરકોટડા બેઠક પરથી જીત્યા હતા. ત્યાર બાદ 2012 અને 2017માં દાણીલીમડા બેઠક પરથી જીત મેળવી હતી.

ગુરુવારે હાર્દિક પટેલ પણ ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા હતા
જામનગરમાં ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં ગુરુવારે કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે હાજરી આપી હતી. હાર્દિક પટેલે ભાજપના નેતાઓ સાથે લોકડાયરામાં રૂપિયાનો વરસાદ પણ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...