જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં ચોમાસાને અનુલક્ષીને યોજાયેલી પ્રિ-મોન્સુન કામગીરીની બેઠકમાં પાણીના પ્રવાહની અસરગ્રસ્ત વિસ્તારોમાં તાકીદે જાણ કરવા માટે વોર્નિંગ સિસ્ટમ અમલમાં મૂકવા જિલ્લા કલેકટરે જણાવ્યું હતું. જિલ્લામાં ઓછામાં ઓછી જાન માલની નુકસાની થાય તેમજ જનજીવન અસરગ્રસ્ત ન બને તે હેતુથી ચોમાસાને સંલગ્ન ડિઝાસ્ટર પ્લાન તૈયાર કરવા સૂચના આપી હતી.
બેઠકમાં જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીએ વિવિધ વિભાગના અધિકારીઓને શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસામાંના કારણે જાન માલનું નુકસાન અટકાવવા આગોતરી તૈયારીઓ પૂર્ણ કરવા તેમજ ચોમાસાને સંલગ્ન જરૂરી ડિઝાસ્ટર પ્લાન તૈયાર કરવા સૂચના આપી હતી.
ઉપરાંત જુદા-જુદા વિભાગોને રેસક્યુ, સર્વે તથા સર્ચ ટીમ તૈયાર રાખવા, આશ્રય સ્થાનો તૈયાર કરવા, પાણી નિકાલના માર્ગ પરના અવરોધો દૂર કરવા, સંસ્થાઓ તથા સ્વયંસેવકોની યાદી બનાવવા, માનવ કે પશુ મૃત્યુના કિસ્સામાં ત્વરિત કાર્યવાહી હાથ ધરવા, તરવૈયા તેમજ આપદા મિત્રોની યાદી બનાવવા, બુલડોઝર, જે.સી.બી., ટ્રક સહિતના સાધનો તૈયાર રાખવા, વીજ પુરવઠો જળવાય તેની તકેદારી રાખવા, દરિયાકાંઠે જરૂરી સિગ્નલો લગાવાવા, જર્જરિત ઇમારતો તથા ભયજનક વૃક્ષો દૂર કરવા, રેસ્ક્યુ માટેના વાહનોની યાદી બનાવવા, ડીડીટી છંટકાવ, વોટર કલોરીનેશન તેમજ જરૂરી દવાઓનો જથ્થો અનામત રાખવા વગેરે બાબતે સૂચન કરી માર્ગદર્શન આપ્યું હતું.
પાણીનો પ્રવાહ વધે, ડેમ ઓવરફ્લો થાય ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં જાણ કરી શકાય તે હેતુથી વોર્નિંગ સિસ્ટમ અમલમાં મૂકવા સૂચન કરી દરેક ગામોની સંપર્ક યાદી બનાવવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા પણ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.