જામનગરમાં રહેતા એક યુવકે ઘરકંકાશથી કંટાળી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. યુવકે મોત પહેલા આઠ પાનાંની હ્રદયદ્વાવક સ્યુસાઈડ નોટ લખી પત્ની સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પત્નીના ત્રાસના કારણે જ પોતે અંતિમ પગલું ભરી રહ્યો હોવાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. મૃતક યુવાન સામે તેની પત્નીએ ભરણપોષણન કેસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
જામનગર શહેરમાં બેડેશ્વર પાસે આવેલા વૈશાલીનગર શેરી નં.4 માં રહેતાં મુકેશ ગોવિંદભાઈ રાઠોડ (ઉ.વ.42) નામના મજૂરી કામ કરતા યુવાનેતેની પત્ની મુકતાબેન સાથે અવાર-નવાર ઝઘડા થતા હતાં. પત્ની તેના વિકલાંગ સાસુ સાથે રહેવા તૈયાર ન હોય પરિવારમાં ઝઘડાઓ થતા હતા. લગ્નજીવનમાં સતત થતાં ઝઘડાથી પત્ની મુકતાબેન તેની પાંચ વર્ષની પુત્રી વૃતિકા સાથે રાજકોટ તેના પિતાના ઘરે ચાલી ગઈ હતી. મુક્તાબેન દ્વારા મુકેશ સામે રાજકોટ કોર્ટમાં ભરણપોષણનો કેસ કરવામાં આવ્યો હતો. જે કેસમાં મુકેશને રકમ ચૂકવવા અદાલત દ્વારા હુકમ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ, મુકેશ પોતાની નબળી આર્થિક સ્થિતિના કારણે ભરણપોષણ ચૂકવી શક્તો ન હતો અને કેસનો નિકાલ પણ થતો ન હતો. જેના કંટાળી ગઈકાલે ગાંધીનગર રેલવે સ્ટેશન નજીક ઝાડ સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.
મૃતકે લખેલી સ્યુસાઈડ નોટમાં પત્ની સામે ગંભીર આક્ષેપો કર્યા
મૃતક યુવાને આઠ પાનાંની લખેલી સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે, મારી પત્ની અને તેના પિતા દ્વારા મને અને મારા પરિવારને અવાર નવાર પોલીસ અને અન્ય કેસોમાં ફસાવવાની ધાક ધમકી ઓ અને અન્ય રીતે અપાયેલ અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને હું આત્મહત્યા કરવા મજબૂર બન્યો છું. મારી આત્મહત્યા પાછળ માત્રને માત્ર મારી પત્ની અને તેને સાથ આપનાર તેના પિતા જ જવાબદાર છે.
અંતિમ ઈચ્છા વ્યકિત કરી લખ્યું- 'મારો મૃતદેહ મારી પત્નીને જ સોંપવામાં આવે'
મુકેશે સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે, મેં સાંભળ્યું છે કે, મરનારની અંતિમ ઈચ્છા હંમેશા પૂરી કરવામાં આવે છે. તો મારી અંતિમ ઈચ્છા છે કે મારી લાશને મારી પત્નીને સોંપી દેવામાં આવે. મારા પરિવારના કોઈ પણ સભ્યો મારી લાશને હાથ પણ અડાળશો નહીં. કેમ કે મારી પત્નીને હું ને માત્ર હું જ જોઈતો હતો. જેથી તેના મારા પ્રત્યેના જો કોઈ અરમાન બાકી હોય તો તેને પૂરા કરી લે.અને જે કંઈપણ મારી પાસેથી વસૂલવાની તેની ઈચ્છા હોય તો તે મારી લાશમાંથી વસૂલી તેની ભૂખ સંતોષી લે. કેમ કે, એક વખત મારું આ શરીર પંચતત્વમાં વિલીન થઈ જશે તો પછી હું તો શું મારી લાશ પણ તેને કંઈ નહીં આપી શકે.
શિક્ષણ અને સમાજ વ્યવસ્થાને લઈ સવાલ ઉઠાવ્યો?
એક યુવાન M.A.,B.Ed કરેલી પત્ની માત્ર તેના વટ, ઘમંડ અને જીદને સંતોષવા માટે એક પતિને તેની વિધવા વયોવૃદ્ધ અને વિકલાંગ માતાથી અલગ રહેવાની માગણી કરે અને તેની આ માગણીને વ્યાજબી ગણવામાં આવે તો પછી અન્યાયની વ્યાખ્યા શું હોય શકે? આ સમગ્ર મામલે હાલ પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.