ધરપકડ:શહેરમાં રાંધણગેસના બાટલામાંથી ગેરકાયદે રીફીલીંગનું કારસ્તાન

જામનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપે ગુલાબનગરમાં દરોડો પાડયો,બે શખસ પકડાયા

જામનગરના ગુલાબનગર બીજા ઢાળીયા વિસ્તારમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપે એક રહેણાંક મકાનમાં દરોડો પાડી રાંધણગેસના બાટલામાંથી ગેરકાયદે રીફિલીંગ કરતા બે શખસોને પકડી પાડી જુદા જુદા 27 બાટલા ઉપરાંત ઇલેકટ્રીક કાંટો સહિત રૂ.2.84 લાખનો મુદામાલ કબજે કરી બંને સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગરમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપના પીઆઇ બી.એન. ચૌધરી અને પીએસઆઇ જે.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ ટુકડી શહેરમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળા સ્ટાફના રાજેશભાઇ મકવાણા, હર્ષદકુમાર ડોરીયા, અનિરૂધ્ધસિંહ ઝાલા તથા શોભરાજસિંહ જાડેજા સહિતની ટીમને ગુલાબનગર વિસ્તારમાં બીજા ઢાળીયા નજીક એક મકાનમાં છોટા હાથી વાહનમાંથી ગેસ ભરેલા બાટલા ઉતારી તેને ખાલી બાટલમાં ગેરકાયદે રીફીલીંગ કરી ગેરકાયદે વેચાણ કરાતુ હોવાની બાતમી મળી હતી.જેના આધારે પોલીસે આ સ્થળે દરોડો પાડતા માણસોની જીંદગી જોખમાય તેવી રીતે બેદરકારીથી ગેસનુ ગેરકાયદે રીફિલીંગ કરતા બે શખસો મળી આવ્યા હતા.

આથી પોલીસે રવિ ચંદુભાઇ ગોસ્વામી અને જતીન ઉર્ફે જીગો પ્રાગજીભાઇ હમીરપરા(રે.બંને જામનગર)ને પકડી પાડી જુદા જુદા 27 બાટલા ઉપરાંત ઇલેકટ્રીક કાંટો, વગેરે મળી રૂ. 2.84 લાખની માલમતા કબજે કરી બંને વિરૂધ્ધ સીટી બી પોલીસ મથકમાં ફોજદારી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...