જામનગર શહેરના ભાગોળે આવેલા રણજીતસાગર ડેમમાં ગેરકાયદેસર માછીમારી થતી હોવાની નારણપર ગામના જીવાદયા પ્રેમીઓની ફરિયાદ પરથી ફાયરના જવાનોએ બે દિવસ રેસ્ક્યુ હાથ ધરીને તળાવમાં બીછાવેલી અને માછલા ફસાયેલી 20 જાળ બહાર કાઢી છે.
રણજીતસાગર ડેમ નવા મોખાણા, હર્ષદપુર અને નારણપુર ગામ સુધી પથારેલો છે. ત્યારે નારણપુર ગામના પાછળના ભાગે રણજીતસાગરમાં રાત્રીના દશેક વાગ્યે આવતા કોઈ શખસો માછીમારીની જાળ બીછાવી જતા હતાં અને વહેલી સવારના 5 વાગ્યે ફસાયેલી માછલી સાથેની જાળ કાઢી જતા હતાં. જે નારણપુર ગામના સરપંચ મહેશભાઈ ચાંદ્રા સહિતના જીવદયા પ્રેમીઓના ધ્યાનમાં આવતાં ફાયરને જાણ કરવામાં આવી હતી અને ફાયરના જવાનોની ટીમે બોટમાં તળાવમાં જઈને માછીમારી માટે બીછાવેલી 1000 ફૂટની લાંબી જાળના 8થી 10 ટુકડા કબ્જે કર્યા હતાં અને તેમાં ફસાયેલી જીવીત માછલીઓને બહાર કાઢીને તળાવમાં છોડી દેવામાં આવી હતી.
જ્યારે જાળમાં હજારો મરેલા માછલાઓ બહાર કાઢ્યા હતાં. ફાયરના જવાનોએ બે દિવસથી રેસ્ક્યુ હાથ ધર્યુ છે. તો નારણપુર ગામવાસીઓ પણ દૈનિક 18 માણસો રખોપું કરવા માટે જાગે છે. ગામના દરેક ઘરના એક સભ્યનો રખોપું કરવાનો વારો આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.