જામનગર જિલ્લાની જામજોધપુર તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે અદ્યતન ડ્રોન ટેકનોલોજી વડે ખેતરોમાં ઇફ્કો નેનો યુરિયા ખાતર છંટકાવ પદ્ધતિનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા પુરસ્કૃત કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી (કૃષિ વિમાન)ના ઉપયોગની સમગ્ર રાજ્યમાં આજથી શરૂઆત કરવામાં આવી છે.
ડ્રોનથી ખેડૂતોનો સમય, શક્તિ અને નાણાંનો બચાવ થશે
કૃષિમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આપણી પરંપરાગત ખેતી પધ્ધતિ મુજબ યુરિયા ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાથી સમય શકિત, પાણી, વીજળી અને નાણાંનો વ્યય થતો હતો. રૂ.3500 લાખના ખર્ચે વિકસાવવામાં આવેલ અદ્યતન ડ્રોન ટેકનોલોજી દ્વારા યુરિયા ખાતર છંટકાવ પદ્ધતિ શરુ કરાઇ છે. જે અંતર્ગત ખેડૂતોને પ્રતિ એકર રૂ.500ની સહાય આપવામાં આવશે. ખેડૂતોને ઍક વર્ષમાં મહતમ 5 એકર જમીન માટે 5 વખત યુરિયા ખાતર છંટકાવ કરવા માટે અન્ય કુલ રૂ.2300 લાખની સહાય પણ મંજૂર કરવામાં આવી છે. પૂર્વે ખેડૂતો દ્વારા ખાતરો અને જંતુનાશક દવાઓ છાંટવામાં આવતી હતી જેથી તેમના આરોગ્ય પર ગંભીર ખતરો તોળાતો હતો. અત્યાધુનિક ડ્રોન ટેકનોલોજી દ્વારા યુરિયા ખાતરનો છંટકાવ કરવાથી ખેડૂતોની સમય શક્તિ, પર્યાવરણનું રક્ષણ, ડીઝલ, પાણી, વીજળીની બચત તેમજ મજૂરી ખર્ચ પણ બચશે.
કાર્યક્રમમાં જામજોધપુર એ.પી.એમ.સી. ચેરમેન બ્રિજરાજસિંહ જાડેજા, જામજોધપુર તાલુકા પંચાયત ઉપ પ્રમુખ દેવાભાઇ પરમાર, , પ્રાંત અધિકારી એન.ડી. ગોવાણી, જિલ્લા ખેતીવાડી અધિકારી આર.એસ. ગોહેલ, મદદનીશ ખેતી નિયામક રાજકોટ વિભાગ એસ.કે. વડારિયા, જિલ્લા મદદનીશ ખેતી નિયામક પેટા વિભાગ એન.બી. ચૌહાણ, અલગ અલગ વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ, તમામ યાર્ડના ડાયરેકટરઓ, ચેરમેનઓ, આજુબાજુના ગામોમાંથી પધારેલા આગેવાનો, ખેડૂતો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.