તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા:જામનગર જિલ્લામાં 20 જુલાઇ સુધીમાં વરસાદ નહીં થાય તો 70 ટકા ખરીફ વાવેતર નિષ્ફળ જશે

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસાનું આગમન વહેલું થતાં ચાલુ વર્ષે 1 જુલાઇ સુધીમાં જામનગર જિલ્લામાં 2,59,493 હેકટરમાં ખરીફ પાકનું વાવેતર થઇ ગયું
  • દર વર્ષની જેમ આ વર્ષે પણ અત્યાર સુધીમાં સૌથી વધુ મગફળીનું 1,54,391 અને કપાસનું 96,449 હેકટરમાં વાવેતર : વરસાદ ખેંચાતા ચિંતા
  • અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં હજુ કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ નથી

જામનગર જિલ્લામાં સામાન્ય રીતે 15 જૂન બાદ ચોમાસાનું વિધિવત આગમન થાય છે. પરંતુ ચાલુ વર્ષે ચોમાસાનું આગમન વહેલું થતાં જિલ્લામાં 1 જુલાઇ સુધીમાં 259493 હેકટરમાં ખરીફ પાકનું વાવેતર થઇ ગયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ મગફળીનું 154391 અને કપાસનું 96449 હેકટરમાં વાવેતર થઇ ચૂકયું છે. પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે.

આટલું જ નહીં જો આગામી 20 જુલાઇ સુધીમાં વરસાદ નહીં થાય તો 70 ટકા ખરીફ વાવેતર નિષ્ફળ જવાની ભીતિ અને કુવા, બોરના પાણીની સુવિધાના કારણે 30 ટકા વાવેતર બચી શકે તેમ હોવાનું જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે. કારણ કે, મગફળીના પાકને વધુ પાણીની જરૂર પડે છે તો કપાસના પાકને પણ પૂરતું પાણી જરૂરી છે. પરંતુ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોય ખેડૂતોના જીવ તાળવે ચોંટયા છે.

ગત વર્ષ કરતા 13772 હેકટરમાં ઓછું વાવેતર
2020-21માં જિલ્લામાં જૂન મહિનાના અંત સુધીમાં સીઝનના કુલ વરસાદના 20 ટકા વરસાદ થતાં 2 જુલાઇ સુધીમાં 273265 હેકટરમાં ખરીફ પાકનું વાવેતર થયું હતું. ચાલુ વર્ષે 1 જુલાઇ સુધીમાં 259493 હેકટરમાં ખરીફ પાકનું વાવેતર થતાં ગત વર્ષ કરતા 13772 હેકટરમાં ઓછું વાવેતર નોંધાયું છે.

1 ઇંચ વરસાદ થાય તો પણ વાવેતરને જીવતદાન મળશે
ચાલુ વર્ષે વરસાદનું આગમન વહેલું થતાં જામનગર જિલ્લામાં 1 જુલાઇ સુધીમાં કુલ 259493 હેકટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. જેમાં મગફળી અને કપાસનું સૌથી વધુ વાવેતર છે. વાવેતર બાદ વરસાદ ખેંચાયો છે ત્યારે આગામી 20 જુલાઇ સુધીમાં જો 1 ઇંચ વરસાદ પણ થાય તો વાવેતરને જીવતદાન મળી જશે. ત્યારબાદ જો વરસાદ ખેંચાશે તો ગુણવતાયુકત પાક થશે નહીં. આથી ગુણવતાયુકત પાક માટે સતત ભેજવાળું વાતાવરણની સાથે વરસાદ પણ જરૂરી હોવાનું જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...