ભાજપના નેતાઓ સાથે હાર્દિકની હાજરી:જામનગરમાં લોકડાયરામાં વાઘાણી અને રાદડિયા સાથે એક મંચ પર દેખાયા, રાજકીય અટકળો તેજ બની

જામનગર2 મહિનો પહેલા
  • કૉંગ્રેસથી નારાજ હાર્દિક પટેલ જામનગરમાં ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા
  • રાજકીય ઓળખાણ કરતાં સૌથી મોટી ઓળખાણ એ છે કે હું ગુજરાતનો છું- હાર્દિક પટેલ

ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ હાલ કૉંગ્રેસથી નારાજ છે. તેઓ પોતાની નારાજગી જાહેર પણ કરી ચૂક્યા છે. તેની વચ્ચે ગુરુવારે જામનગરમાં ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં ભાજપના નેતાઓ સાથે જોવા મળતા હાર્દિક ભાજપમાં જોડાઈ રહ્યા હોવાની ચર્ચા તેજ બની છે. જામનગરમાં હાર્દિક પટેલે ભાજપના નેતાઓ સાથે મળી લોકડાયરામાં રૂપિયા પણ ઉડાવતા જોવા મળ્યા હતા. જો કે, હાર્દિકે મિત્રતાના દાવે અહીં હાજરી આપી હોવાની વાત કરી ભાજપમાં જોડાવાની વાત અફવા હોવાનું કહ્યું હતું.

ભાજપના નેતાઓ સાથે હાર્દિક પટેલે રૂપિયાનો વરસાદ કર્યો
જામનગરમાં ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં હાર્દિક પટેલની સાથે પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, પોરબંદરના સાંસદ રમેશ ધડુક, જામનગર ઉત્તરના ધારાસભ્ય હકુભા જાડેજા એક મંચ પર જોવા મળ્યા હતા. લોકડાયરામાં ભાજપના નેતાઓની સાથે જ હાર્દિક પટેલ પણ રૂપિયાનો વરસાદ કરતા જોવા મળ્યા હતા.

કાર્યક્રમમાં હાર્દિક પટેલ પર પણ રૂપિયા ઉડ્યા
લોકડાયરાના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા હાર્દિક પટેલે લોકગાયકો પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. ત્યારબાદ સામાજિક આગેવાનોએ પણ હાર્દિક પટેલ સહિતના નેતાઓ પર રૂપિયાનો વરસાદ કર્યો હતો.

ભાગવત સપ્તાહમાં નરેશ પટેલે પણ બે વાર હાજરી આપી
જામનગરમાં ચાલી રહેલી ભાગવત સપ્તાહની સાથે સાથે રાજનીતિ પણ ગરમાઈ રહી છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે અને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ અહીં એકસાથે હાજર રહ્યા હતા. તો ગુરુવારે પ્રદેશ કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની સાથે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા જોવા મળ્યા હતા.

કૉંગ્રેસથી નારાજ હોવાનો સ્વીકાર કર્યો
જામનગરમાં હાર્દિક પટેલે કહ્યું હતું કે, પાર્ટી સાથે નારાજગી છે તેનું નિરાકરણ આવશે તો આગળ વધીશું અને નહીં આવે તો પણ આગળ વધીશું. હાર્દિક પટેલને જ્યારે પૂછાયું કે, શું તમારે નારાજગી મુદ્દે હાઈકમાન્ડ સાથે ચર્ચા થઈ છે? તો હાર્દિકે કહ્યું હતું કે મોવડી મંડળ સાથે વાત થઈ નથી. પણ, હું પણ ઈચ્છું છું કે ચર્ચા થઈ જાય.

કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખની જગ્યાએ સોશિયલ એન્ડ પોલિટિકલ એક્વિસ્ટ લખ્યું
કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખની જગ્યાએ સોશિયલ એન્ડ પોલિટિકલ એક્વિસ્ટ લખ્યું

સોશિયલ મીડિયામાંથી કૉંગ્રેસનો હોદો કેમ દૂર કર્યો?
જામનગરમાં આજે જ્યારે હાર્દિક પટેલને આ સવાલ કરાયો તો તેમણે કહ્યું હતું કે, રાજકીય ઓળખાણ કરતા સૌથી મોટી ઓળખાણ એ છે કે હું ગુજરાતનો છું. મારો પ્રયાસ એટલો જ છે કે, ગુજરાતનું સારુ થાય.

અન્ય સમાચારો પણ છે...