જામનગર મહાપાલિકાના વર્ષ 2023-24 ના ડ્રાફટ બજેટમાં શહેરીજનો પર રૂ.53 કરોડનો કરબોજ ઝીંકવાની દરખાસ્ત કરવામાં આવી છે. પરંતુ મનપાના ચોપડે રૂ.562 કરોડનું લેણું બાકી બોલી રહ્યું છે. જો આ નાણાંની વસૂલાત કરવામાં આવે તો નવા વેરા કે વધારાની જરૂર ન પડે. સ્થાનિક સ્વરાજયની સંસ્થા મહપાલિકામાં મતના રાજકારણના કારણે કડક વસૂલાત માટે વર્ષોથી કોઇ પગલાં લેવાતા નથી. અડધા નાણાંની વસૂલાત થાય તો મહાપાલિકા સધ્ધર બનતા ગ્રાન્ટ પર આધાર રાખવો ન પડે, કર્મચારીઓના પગાર નિયમિત અને વિકાસકાર્યો સમયસર અને ઝડપથી થાય તેમાં બે મત નથી.
જામનગર મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમીટીમાં રજૂ થયેલા ચાલુ વર્ષના ડ્રાફટ અંદાજપત્રમાં મિલકત, પાણી અને અન્ય વેરામાં વધારાની સાથે ત્રણ નવા ચાર્જ શહેરીજનો પર લાદવાની દરખાસ્ત કરી છે. પરંતુ મનપા પોતાના લેણાં વસૂલાતમાં વામણી છે. કારણ કે, છેલ્લાં ઘણાં સમયથી વેરા, દુકાન ભાડા, આવાસના હપ્તા સહિત કુલ રૂ.562 કરોડ 23 લાખ 38 હજાર વસૂલવાના બાકી છે.
જો આ તમામ તો ઠીક અડધા નાણાંની વસૂલાત કરવામાં આવે તો નવા વેરા કે વેરામાં વધારની જરૂર પડે નહીં. પરંતુ મતના રાજકારણ તેમજ લાગતા વળગતાને સાચવવા સહિતના પરિબળોને કારણે મહાપાલિકાના સતાધીશો કે અધિકારીઓ વસૂલાત પ્રત્યે ઇરાદાપૂર્વક આંખા આડા કાન કરી રહ્યા છે. જેના કારણે લેણાંની રકમ દર વર્ષે ઘટવાને બદલે વધી રહી છે. આથી મનપાને ના છૂટકે ગ્રાન્ટ પર આધાર રાખવો પડી રહ્યો છે. બીજી બાજુ નાણા ન ભરનાર લોકોને મોકળુ મેદાન મળી ગયું છે.
માથાદીઠ આવકમાં રૂા. 469ની સામે દેવામાં રૂા. 3519નો વધારો થયો
જામનગર મનપાની સ્ટેન્ડીંગ કમીટીમાં રજૂ કરેલા વર્ષ 2022-23 ના ડ્રાફટ બજેટમાં શહેરીજનો માટે માથાદીઠ આવક રૂ.5195 દર્શાવામાં આવી છે. જેની સામે માથાદીઠ દેવું રૂ.11816 દર્શાવાયું છે. આમ માથાદીઠ આવકમાં રૂ.469 ની સામે માથાદીઠ દેવું રૂ.3519 વધ્યું છે. જે મનપાના સતાધીશો અને અધિકારીઓની અણઆવડતનો પુરાવો છે.
લેણાંની વસૂલાતમાં ઢીલાશ, ચાલુ વર્ષે રૂ.515 કરોડની કેપીટલ ગ્રાન્ટની આવકનો અંદાજ
જામનગર મનપાના ચાલુ વર્ષે ડ્રાફટ અંદાજપત્રમાં રૂ.515 કરોડની કેપીટલ ગ્રાન્ટની આવકનો અંદાજ વ્યકત કરવામાં આવ્યો છે. જેમાં રૂ.187.91 કરોડ સીલક ઉમેરતા કુલ રૂા.702.91 કરોડ થાય છે. જેની સામે કેપીટલ ખર્ચ રૂ.642 કરોડ અંદાજમાં આવ્યો છે.
ફેકટફાઈલ| મનપાનું કયું કેટલું લેણું બાકી (રૂા.લાખમાં) | |
પ્રકાર | રકમ |
દુકાનભાડું | 124.61 |
વ્યવસાય વેરો | 8618.01 |
કારખાના લાયસન્સ ફી | 163.73 |
થિયેટર ટેકસ | 0.9 |
1404 આવાસના હપ્તા | 363.28 |
વોટર ચાર્જીસ(કારપેટ) | 7422.8 |
વોટર ચાર્જીસ(સ્લમ) | 2396.45 |
વોટર ચાર્જીસ(જુનો) | 2170 |
મિલકત વેરો(રેન્ટ બેઇઝ) | 4873.66 |
મિલકત વેરો(કારપેટ) | 28243.33 |
સર્વિસ યુર્ઝસ ચાર્જ | 910 |
ભૂગર્ભ ગટર હાઉસ કનેકશન ચાર્જીસ | 0.17 |
મુખ્યમંત્રી-પ્રધાનમંત્રી લાભાર્થી ફાળો | 937.25 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.