છેતરપિંડી:‘ઊંચું વ્યાજ ભરીને હું થાકી ગયો છું, સોનું છોડાવીને વેચી નાખવું છે’ કહી જામનગરમાં સોની વેપારી સાથે ઠગાઈ કરી 8 લાખ પડાવ્યા

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી ઈકબાલ. - Divya Bhaskar
આરોપી ઈકબાલ.
  • મયૂર જ્વેલર્સના માલિક સાથે ગઠિયો ‘કળા’ કરી ગયો, પોતાના ખાતામાં તોતિંગ રકમ નખાવડાવીને પછી હાથ ખંખેરી નાખ્યા, સોની વેપારી પોલીસ સ્ટેશને દોડ્યા, ધરપકડ

જામનગરના એક સોની વેપારી સાથે બે શખસો દ્વારા છેતરપિંડી આચરવામાં આવી હોવાનું અને રૂપિયા 8 લાખની રકમ પડાવી લીધાનો કિસ્સો સામે આવતાં ભારે ચકચાર જાગી છે. ફાઈનાન્સ કંપનીમાં ગીરવે મૂકેલું સોનું છોડાવવાના બહાને 5 લાખની રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી હોવાથી સમગ્ર મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે. જે બંને આરોપીઓને પોલીસે સકંજામાં લઈ લીધા છે.

આ નવતર પ્રકારની છેતરપિંડીના બનાવની વિગત એવી છે કે, જામનગરમાં ભંગાર બજાર રોડ પર આકાશ ગંગા કોમ્પ્લેક્સમાં રહેતા અને ચાંદી બજારમાં મયુર જવેલર્સ નામની સોના-ચાંદીના ઘરેણાની દુકાન ધરાવતા કિરીટભાઈ મહેન્દ્રભાઈ રાધનપુરાએ પોતાની સાથે રૂપિયા 8 લાખની છેતરપિંડી કરવા અંગે જામનગરમાં રહેતા ઈકબાલ ઇબ્રાહીમભાઇ ખીરા અને વસીમભાઈ ખીરા સામે ફરિયાદ નોંધાવી છે. જે મામલે સીટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે, અને બંને આરોપીઓને અટકાયતમાં લઇ લીધા છે.

પોલીસ પૂછપરછમાં જાહેર કરાયા અનુસાર સોની વેપારી કિરીટભાઈ રાધનપુરા પાસે આજથી એકાદ માસ પહેલા તા.3 માર્ચના રોજ ઈકબાલ ઈબ્રાહીમ જામનગરના જ વસીમભાઈ ખીરા સાથે દુકાને પહોંચ્યો હતો અને ખાનગી ફાઇનાન્સ કંપનીમાં પોતાનું અંદાજે સાડા દસ લાખ રૂપિયાની કિંમતનું સોનુ ગીરવે મુકેલું છે, જેનું ઊંચું વ્યાજ ભરીને પોતે થાકી ગયો છે અને સોનુ છોડાવીને વેચી નાખવું છે, તેમ કહી સોની વેપારીને સાણસામાં લીધા હતા. તેના માટે 8 લાખ રૂપિયાની રકમ પોતાના બેંક ખાતામાં જમા કરાવવા માટેનું જણાવ્યું હતું.

સોની વેપારી 8 લાખની રકમ લઈને બંને આરોપીઓ સાથે અંબર ચોકડી નજીક આવેલી ખાનગી બેંકમાં રૂપિયા જમા કરાવવા માટે ગયા હતા અને આરોપીના ખાતામાં રૂપિયા જમા કરાવી દીધા હતા. ત્યાર પછી લીમડા લેનમાં આવેલી ફાઇનાન્સ કંપનીની પેઢીમાં સોનુ છોડાવવા જવા માટેનું કહીને બંને આરોપીઓ પોતાના સ્કૂટરમાં રફુચક્કર થઈ ગયા હતા.

સોની વેપારી દ્વારા બંનેની શોધખોળ શરૂ કરાઇ હતી અને તેઓના ઘરે પણ પહોંચ્યા હતા. પરંતુ આરોપી ઇકબાલની પત્નીએ ઘરમાંથી પણ જાકારો આપી દીધો હતો. આખરે સમગ્ર મામલો સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, સાથો સાથ સાઇબર ક્રાઈમ સેલને પણ જાણ કરવામાં આવી હતી જેથી સાઇબર ક્રાઇમ સેલના પીઆઈ પી.પી. ઝા તેમજ સીટી-એ ડિવિઝનના પીઆઈ એમ.જે. જલુ વગેરેએ તાત્કાલિક અસરથી ખાતું ફ્રીઝ કરાવી દઇ 8 લાખ રૂપિયાની રકમ સ્થગિત કરાવી દીધી હતી. જેથી આરોપી તે રકમ ઉપાડી શક્યો નથી. જે સમગ્ર મામલે આખરે રવિવારે મોડી સાંજે સીટી એ. ડીવીઝન પોલીસ મથકમાં બન્ને શખસો સામે ફરિયાદ નોંધાવી છે. સોની વેપારીને ફસાવવાના ભાગરૂપે આ કારસ્તાન રચ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ઈકબાલ અન્ય વેપારીને ફસાવી ચૂક્યો છે
ઇકબાલ ખીરા દ્વારા 29 મી ફેબ્રુઆરીના દિવસે આ જ રીતે જામનગરના અન્ય એક સોની વેપારી નિલેશભાઈ સાથે પણ રૂપિયા બે લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું અને તે રકમ પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી હોવાનું પણ ખૂલ્યું છે, જે મામલો પણ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે. હાલ આ પ્રકરણની વધુ તપાસ દરબાર ગઢ પોલીસ ચોકીના પીએસઆઈ એન.વી. હરિયાણી ચલાવી રહ્યા છે.

એકાદ કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાની અમને આશંકા છે: પીઆઈ
બંને શખસો દ્વારા આવી રીતે અનેક વેપારીઓ, સોનીઓ તથા તેમની જ્ઞાતિના લોકોને ફસાવીને રૂપિયા પડાવી ચૂક્યા છે જે આંકડો એક કરોડ સુધી પહોંચે તેમ છે. આગામી દિવસોમાં આ પ્રકરણમાં વધુ ફરિયાદ થાય તો નવાઈ નહીં. - એમ.જે. જલુ, પીઆઈ, સિટી-એ ડિવિઝન, જામનગર.