દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળમાં ઘાતકી હત્યાનો કિસ્સો સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. મીઠાપુર ખાતે રીસામણે બેઠેલી પત્નીને મળવા ગયેલા પતિની મોડી રાત્રે પથ્થરના ઘા ફટકારી ઘાતકી હત્યા નીપજાવવામાં આવી છે. આ હત્યા તેની પત્ની, સાસુ અને સાળાએ કરી હોવાનું સામે આવતા પોલીસે ત્રણેયને ઝડપી લીધા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળના મીઠાપુરમાં એક યુવાનની ઘાતકી હત્યા નિપજાવવામાં આવી છે. સુરજ કરાડીમાં શક્તિનગર ખાતે ગત રાત્રે ખેંગારભા બુધાભા ભઠડના રહેણાંક મકાને દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા ખેંગારભા સુમલાભા માણેક વાઘેર (ઉવ 35) નામના યુવાનને મરચાની ચટણી આંખ પર છાટી માથાના ભાગે તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધુ હતું.
જાણવા મળતી વિગત મુજબ, મૃતક યુવાનની પત્ની છેલ્લા બે માસથી રીસામણે બેઠી હતી, રીસામણે બેઠેલી પત્નીને ગત રાત્રે મળવા ગયેલા આ યુવાન પર તેના પત્ની સમજુબેન, સાળા ખેંગારભા બુધાભા અને સાસુ ધનબાઇ બુધાભા ભઠડએ ગત રાત્રે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી કરપીણ હત્યા નીપજાવી હતી.
આ ઘટનાને પગલે દ્વારકા પોલીસ પીઆઈ ગઢવી, પીએસઆઈ જે જી ઝાલા, એચસી ખીમાનંદ આંબલીયા, કીશોરભાઈ મેર, પીસી જયપાલસિંહ જાડેજા અને વિજય વારોતરીયા સહિતનાઓએ સ્થળ પર પહોચી તાત્કાલિક તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં જ ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા હતા.
માસુમ પુત્ર સાથે રિસામણે બેઠેલી પત્નીને મળવા ગયો હતો મૃતક
મૃતક યુવાનના પત્ની રીસામણે ગયેલા હોવાથી યુવાન તેના પાંચ વર્ષના પુત્ર સાથે મોડી રાત્રે પત્નીને મળવા માટે સુરજકરાડી ખાતે ગયો હતો જે બાદ કોઇ કારણોસર બોલાચાલી થતા યુવાનનુ ત્રણેય આરોપીએ કાસળ કાઢી નાખ્યાનુ પ્રાથમિક પોલીસ તપાસમાં ખુલ્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.