જામનગર શહેરના પ્રથમ નાગરિક એવા મેયરની પુત્રીને તેમના કલાસ ટુ ઓફિસર પતિ દ્વારા દહેજ માટે શારીરિક-માનસિક ત્રાસ આપી મારકૂટ કરતા હોવાની ફરિયાદ સીટી-બી ડીવિઝનમાં નોંધાતા ભારે ખળભળાટ મચી ગયો છે.
જામનગર શહેરના પંચવટી વિસ્તારમાં રહેતા અને મહાનગરપાલિકાના પ્રથમ નાગરીક એવા બીનાબેન કોઠારીની પુત્રી પંકતી અશોકભાઇ કોઠારીએ સીટી-બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેના રાજકોટ ખાતે રહેતા પતી કાર્તિકભાઇ ગીતાબેન મહેતા તેઓને ત્રાસ આપે છે તેમજ મારકૂટ કરતા હોય જે અંગેની ફરિયાદ સીટી-બી ડીવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવતા તેની તપાસ મહિલા પેાલીસ સ્ટેશનના પીએસઆઇને સોંપવામાં આવી હતી.
જેને સુરેન્દ્રનગર ખાતે ડીએલઆર કચેરીમાં અધિકારી તરીકે ફરજ બજાવતા કાર્તિકભાઇને અનેક નોટિસો આપવા છતાં હાજર ન થતાં રવિવારના તેઓ રાજકોટ ખાતેથી તેમને લઇ આવ્યા હતાં. આ બનાવના પગલે જામનગરના રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે, સાથોસાથ ભારે ચર્ચા જાગી છે.
પીએસઆઇ કલ્પનાબાનું અકળ વલણ
આ કેસમાં પીએસઆઇ કલ્પનાબાનું સવારથી અકળ વલણ રહ્યું છે, તેમણે ફોન ઉપાડવાના બંધ કરી દીધા તેમજ જવાબ આપવાના બંધ કરી દીધા, શરૂઆતના પગલે કલ્પનાબાએ આખી તપાસનું ઠીકરૂં પીઆઇ ભોયે પર ફોડ્યું હતું, પરંતુ ચોખવટ થતાં તેઓ ક્ષોભભરી સ્થિતીમાં મૂકાયા હતાં અને જવાબ આપવાનું બંધ કરી દીધું હતું. કલ્પનાબાના આ વલણના કારણે કેસ વધુ ગરમ થયો હતો.
50 લાખની માંગણી કરી છે : પતિ
અમારા પાસે સમાધાન માટે રૂપિયા 50 લાખની માંગણી કરવામાં આવી છે, અમે કીધું અમારો કોઇ વાંક નથી તો અમે શેના રૂપિયા આપીએ ? પછી તેઓ 25 લાખ માંગતા હતાં , અમે લોકો દોઢ લાખ રૂપિયા દેવા તૈયાર છીએ, બાકી આમા મારો કે મારા પરિવારનો કોઇ વાંક નથી. - કાર્તિક ગીતાબેન મહેતા, આરોપી પતિ.
498 મુજબ ફરિયાદ નોંધી છે : પીઆઇ
આ કેસમાં ફરિયાદીના કહ્યા મુજબ 498 મુજબની ફરિયાદ નોંધવામાં આવી છે, તેઓ સીટી-બી વિસ્તારમાં રહે છે, એટલે ફરિયાદ સીટી-બી માં દાખલ થઇ બાકી તપાસ મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ચલાવે છે.- કે.જે. ભોયે, પોલીસ ઇન્સ્પેકટર, સીટી-બી., જામનગર.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.