તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યા પહેલાંનો ઘટનાક્રમ:જામનગરમાં આડાસંબંધની શંકાએ પતિ પત્ની પર છરી લઈને તૂટી પડ્યો હતો, વચ્ચે પડેલી શિક્ષિકાને માર્યા છરીના ઘા

જામનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પતિએ પત્નીના આડાસંબંધની શંકા રાખી છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું. - Divya Bhaskar
પતિએ પત્નીના આડાસંબંધની શંકા રાખી છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું.
  • ગઈકાલે શાળાએ જઈ રહેલી શિક્ષિકા પત્નીને પતિએ રોકી હત્યા કરી હતી
  • મૃતકને બચાવવા વચ્ચે પડેલી એક અન્ય શિક્ષિકાને પણ હાથના ભાગે છરીના ઘા વાગ્યા

જામનગરમાં ગઇકાલે પતિએ કરેલી શિક્ષિકા પત્નીની હત્યાએ ચકચાર મચાવી છે. ઘરેથી સ્કૂલે જતી શિક્ષિકા પત્ની કંઈ સમજે એની પહેલાં પતિએ તેના આડાસંબંધની શંકા રાખી છરીના ઘા ઝીંકી તેનું ઢીમ ઢાળી દીધું હતું. આ ઘટનામાં એક વધુ ઘટસ્ફોટ થયો છે. ગઇકાલે બનેલા આ બનાવ વખતે મૃતકને બચાવવા વચ્ચે પડેલી એક અન્ય શિક્ષિકાને પણ હાથના ભાગે છરી ઝીંકી આરોપીએ ઈજાઓ પહોંચાડી હતી.

હત્યારો પતિ પ્રફુલ ડાભી.
હત્યારો પતિ પ્રફુલ ડાભી.

શિક્ષિકા પત્ની શાળાએ પહોચે એ પૂર્વે પતિએ હુમલો કરી દીધો
જામનગરમાં ગુલાબનગરની વૃંદાવન સોસાયટીમાં રહેતા પ્રફુલ ભવાનભાઈ ડાભી અને તેની પત્ની નીતાબેન તેમજ પુત્રી કવિતા એમ ત્રણ સભ્યનો પરિવાર ગત માસ સુધી કિલ્લોલ કરતો હતો, પરંતુ પતિ પ્રફુલે એવું તે ખુન્નસ ચડ્યું કે પોતાના પર યમદૂત સવાર થઇ ગયો. શિક્ષિકા તરીકે ફરજ બજાવતી પત્ની સોમવારે નિશાળે ખૂલતા પ્રથમ દિવસે જવા નીકળી હતી. ત્યારે બીજી તરફ પતિનો પીતો ગયો અને પીછો કરી પત્ની શાળાએ પહોંચે એ પૂર્વે જ રસ્તા વચ્ચે જ આંતરી લઇ છરી વડે હુમલો કરી દીધો અને જીવલેણ ઘા ઝીંકી પોતાની જ અર્ધાંગનાની કરપીણ હત્યા નીપજાવી દીધી.

મૃતક નીતાબેન.
મૃતક નીતાબેન.

થોડો સમય બગસરામાં રહ્યા બાદ પ્રફુલ પણ પત્ની નીતા સાથે જામનગર આવી ગયો
જામનગરમાં સ્વામિનારાયણનગરમાં રહેતા અને મકાન લેવેચનો વ્યવસાય કરતા રતિલાલ ધારવિયાની ત્રણ પુત્રીઓ પૈકીની બીજા નંબરની પુત્રી એટલે કે મૃતક નીતાબેનના લગ્ન વર્ષ 2006માં અમરેલી જિલ્લાના બગસરા ખાતે રહેતા પ્રફુલ ડાભી સાથે થયા હતા. થોડો સમય બગસરા રહ્યા બાદ પ્રફુલ પણ પત્ની નીતા સાથે જામનગર આવી ગયો હતો અને ગુલાબનગરમાં વૃંદાવન સોસાયટીમાં રહેતો હતો. અહીં આવી નીતાબેન પોતાની લાયકાતના આધારે જામનગર નજીકના થાવરિયા ગામે શિક્ષિકા તરીકે નોકરીએ લાગી હતી.

હત્યાનું ઘટનાસ્થળ.
હત્યાનું ઘટનાસ્થળ.

વારે વારેના ઝઘડાઓથી કંટાળી પખવાડિયા પૂર્વે નીતાબેન તેના પિતાના ઘરે આવી ગઈ
પંદર વર્ષના સંસારમાં આ દંપતીને સંતાનમાં કવિતા રૂપી એક પુત્રી છે. લગ્ન બાદ થોડાં વર્ષ સંસાર સારો ચાલ્યો, પરંતુ ત્યાર બાદ પતિએ પત્ની નીતાબેનના ચરિત્ર પર શંકાઓ કરી હતી, જેને લઈને બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. વારે વારેના ઝઘડાઓથી કંટાળી પખવાડિયા પૂર્વે નીતાબેન તેના પિતાના ઘરે આવી ગઈ હતી. પાછળથી પતિ પ્રફૂલે પત્ની નીતાને પતાવી દઈ રસ્તો કાઢવાનો ખૌફનાક પ્લાન ઘઢી નાખ્યો હતો. ચારિત્ર બાબતે પતિએ કરેલી શંકાને લઈને પત્ની નીતાબેન પણ રોષે ભરાયાં હતાં. આ આક્ષેપને લઈને નીતાબેન પંદર દિવસ પૂર્વે તિથી અલગ પિયરમાં રહેવા લાગ્યાં હતાં, પણ ક્યાં ખબર હતી કે એ જ પતિ પોતાના પ્રાણ લઇ લેશે?

મૃતકને બચાવવા વચ્ચે પડેલી એક અન્ય શિક્ષિકાને પણ આરોપીએ હાથના ભાગે છરી ઝીંકી
શાળાઓનું વેકેશન ખૂલતાં જ પ્રથમ દિવસે નીતાબેન પોતાના પિતાના ઘરેથી શાળાએ જવા નીકળી હતી. પિતા પોતાના સ્કૂટરમાં મહાપ્રભુજીની બેઠક સુધી મૂકી આવ્યા હતા. અહીંથી અન્ય શિક્ષિકાઓ સાથે નીતાબેન શાળાએ જવા નીકળ્યાં હતાં. અગાઉના આ નિત્યક્રમની જાણ પતિ પ્રફુલને હતી, જેથી સવારમાં જ પોતાની પર યમદૂત સવાર થઇ જતાં આરોપી પ્રફુલ પણ જ્યાં નીતાબેન અન્ય શિક્ષિકાઓ ઊભી હતી ત્યાં આવી પહોંચ્યો હતો અને નીતાબેન કંઈ સમજે એ પૂર્વે જ છરી વડે હુમલો કરી દીધો હતો અને બે-ત્રણ જીવલેણ ઘા ફટકારી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોતાની સહકર્મી શિક્ષિકા પર હુમલો થતાં જ હાજર રશ્મીબેન નામનાં શિક્ષિકાએ નીતાબેનને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં આરોપી પ્રફૂલે રશ્મીબેન પર પ્રથમ હુમલો કરી ડાબા હાથના ભાગે છરી ફટકારી ઈજાઓ પહોંચાડી દૂર હડસેલી દીધા હતા. ત્યાર બાદ પત્ની પર છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા.

પત્નીની હત્યા કર્યા બાદ પતિના ચહેરા જરા પણ રંજ ન દેખાયો
પતિએ પત્નીની કરપીણ હત્યા નીપજાવી છે એવી જાણ થતાં જ સિટી એ ડિવિઝન પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતકનો કબજો સંભાળી દેહને હોસ્પિટલ ખસેડ્યો હતો. બીજી તરફ હત્યાને અંજામ આપી આરોપી પ્રફુલ ઘટનાસ્થળે જ ઊભો રહ્યો હતો. હાજર પતિના ચહેરા પર પત્નીની હત્યાનો જરા સુધ્ધાં પણ રંજ ન દેખાતો હતો. પોલીસે આ શખસની અટકાયત કરી લીધી હતી,. જ્યારે આરોપીનો કોવિડ ટેસ્ટ પૂર્ણ થયા બાદ વિધિવત્ ધરપકડ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...