જામનગર શહેર નજીક આવેલા લાલપુર બાયપાસ પાસે હોટલ ટેન નજીક આવેલી બાવળની ઝાડીઓમાં એક મહિલા અને પુત્રીની લાશ પડી હોવાની માહિતી પોલીસને મળતાં પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં મહિલા અને તેની બાળકીનું ગળું કાપીને હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ-તપાસમાં પતિ જ હત્યા કરીને રાજકોટ તરફ ભાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું, જેથી પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી હતી. જોકે પતિ મોડી રાત્રે રાજકોટ પોલીસમાં હાજર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.
યુપીનો પરિવાર દરેડમાં રહેતો હતો
મળતી માહિતી મુજબ, સબીના નામની 30 વર્ષીય મહિલા અને તેની એક વર્ષની પુત્રી રુબિનાનું ગળું કાપીને હત્યા કરીને તેમની લાશ લાલપુર બાયપાસ પાસે હોટલ ટેન નજીક બાવળની ઝાડીઓમાં ફેંકી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જામનગર પંચકોષી પોલીસ અને એલસીબી સહિતની પોલીસ તપાસમાં લાગી ગઈ છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ મૂળ યુપીનો પરિવાર દરેડમાં રહેતો હતો અને મજૂરીકામ કરતો હતો.
પતિ રાજકોટ પોલીસમાં હાજર થયો
બનાવ બાદ તેનો પતિ તારીક ફરાર થઈ ગયો હતો, જેને પોલીસ શોધી રહી છે. આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે હત્યામાં પતિની સંડોવણી જ છે, જેને કારણે પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે બીજી બાજુ, પોલીસનાં સૂત્રો જણાવે છે કે તેનો પતિ રાજકોટ તરફ ભાગી ગયો છે. મોડી રાત્રે મળતા અહેવાલ મુજબ, આરોપી રાજકોટ એ-ડિવિઝન પોલીસમથકમાં હાજર થઈ ગયો હતો, જેથી જામનગર પોલીસ તેને લેવા માટે રવાના થઈ છે. જોકે હત્યા કેવી રીતે અને કયા કારણે? કેવા સંજોગોમાં નીપજાવી છે? એ પૂછપરછ બાદ સામે આવશે, એમ પોલીસે જણાવ્યું છે.
દહેગામમાં પતિએ પત્નીનું ગ્રાઈન્ડર મશીનથી ગળુ કાપ્યું હતું
દહેગામના પાલૈયા ગામમાં દંપતી વચ્ચે ચાલતા ઘરકંકાસે 15મી ડિસેમ્બરે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં પતિએ ગ્રાઈન્ડર મશીનથી પત્નીનું ગળું કાપી કરપીણ હત્યા કરી હતી. હત્યાને અંજામ આપ્યા પછી પતિએ પણ જાતે ગ્રાઈન્ડર મશીન પોતાના ગળાના ભાગે ફેરવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દહેગામ પોલીસની તપાસમાં આરોપી પતિએ તેના પત્ની પર શંકાઓ રાખી ગુનો આચર્યું હોવાનું સામે આવ્યું હતું. જે મામલે પોલીસે આરોપી પતિ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.