બંદરો પર 1 નંબરનું સિગ્નલ લાગ્યુ:હીકા વાવાઝોડાએ હાલાર તરફ મોં ફેરવ્યું : 4 કે 5મી જૂને ત્રાટકી શકે, 120ની ઝડપે પવન ફુંકાશે

જામનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અરબી સમુદ્વમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનના કારણે ગુજરાત તરફ આગળ વધતું વાવાઝોડું
  • વહિવટી તંત્ર એલર્ટ
  • જામનગર, દ્વારકા, ઓખા, મોરબી, કંડલાને ધમરોળી શકે

અરબી સમુદ્વમાં ચાર દિવસથી સર્જાયેલા ડીપ ડીપ્રેશનના કારણે હીકા વાવાઝોડાએ દીશા બદલતા હાલાર પર વાવાઝોડાનો ખતરો ઉભો થયો છે. વાવાઝોડાની અસરના પગલે વાતાવરણમાં પલટો આવતા ખંભાળિયામાં છાંટા પડયા હતાં. વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું હોય આગામી 4 અથવા 5 જૂનના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રાટકવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેના પગલે બંને જિલ્લાના બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. જો વાવાઝોડું ત્રાટકશે તો 120 કીમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. કોરોના મહામારી વચ્ચે ગુજરાત પર  હીકા વાવાઝોડાનું સંકટ ઉભું થયું છે. અગાઉ આ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઇ જવાનું હતું. પરંતુ અરબી સમુદ્રમાં છેલ્લાં ચાર દિવસ દરમ્યાન સર્જાયેલા ડીપ ડીપ્રેશનના કારણે વાવાઝોડાંએ દીશા બદલી છે અને ગુજરાત તરફ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે, ત્યારે આગામી 4 અથવા 5 જૂનના આ વાવાઝોડું હાલારમાં ત્રાટકવાની આગાહી વ્યકત કરવામાં આવી છે. આ વાવાઝોડું રાજયના જામનગર, દ્વારકા, ઓખા, મોરબી થઇ કચ્છના કંડલા અને આજુબાજુના વિસ્તારોને ધમરોળતું રાજસ્થાન તરફ આગળ વધી ત્યાં વિખેરાઇ જવાની શકયતા હવામાન વિભાગે દર્શાવી છે. જો વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે તો કલાકના 120 કીમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. હીકા વાવાઝોડાની અસરના પગલે હાલારમાં હવામાનમાં પલટો જોવા મળ્યો છે. જયારે બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે.

જામનગરમાં મહત્તમ તાપમાન 3 ડીગ્રી ગગડયું : ખંભાળિયામાં છાંટા પડયા 
જામનગર સહીત હાલારભરમાં શનિવારે હવામાનમાં પલટો આવતા વાદળછાયુ વાતાવરણ સર્જાયુ હતુ.જયારે જામનગરમાં એક દિવસમાં જ મહતમ તાપમાનનો પારો 3 ડીગ્રી નીચે સરકયો હતો અને 36.5 ડીગ્રીએ પહોચ્યો હતો.જેથી આકરા તાપથી જનજીવને આંશિક રાહત અનુભવી હતી.જોકે,જામનગરમાં ભેજનુ 75 ટકા જેટલું ઉંચુ પ્રમાણ રહેતા અસહ્ય ઉકળાટ અને બફારાથી શહેરીજનો અકળાયા હતા. વાદળછાયા વાતવરણ વચ્ચે પણ ગરમીનું જોર યથાવત રહ્યું હતું. કારણ કે બપોરના સમયે આકારા તાપને કારણે તીવ્ર ગરમી અને ભેજના કારણે બફારાના કારણે લોકો પરસેવે ન્હાઇ રહ્યા હતાં. શનિવારે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ખંભાળિયામાં છાંટા પડયા હતાં.

તેજ ગતિએ પવન ફૂંકાતા દિવસભર ઉડતી ધૂળની ડમરી
હીકા વાવાઝોડાની અસરના પગલે હાલારમાં સામાન્ય દિવસો કરતાં છેલ્લાં બે દિવસથી પવનની ગતિમાં વધારો જોવા મળ્યો છે. દિવસભર 30 થી 40 કીમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાતા માર્ગો પર સતત ધૂળની ડમરીઓ ઉડી રહી છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે. 

જામનગર માર્કેટ યાર્ડમાં કપાસ, મગફળીની આવક બંધ કરાઇ 
વાવાઝોડા અને વરસાદની આગાહીના પગલે જામનગર માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં ઉતારવામાં આવતી કપાસ અને મગફળીની આવક બંધ કરવામાં આવી છે. જે કયારે શરૂ કરાશે તે આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.  આટલું જ નહીં સોમવારે હવામાનની સ્થિતિના આધારે અન્ય જણસોની આવક ચાલુ રાખવી કે કેમ તેનો નિર્ણય કરવામાં આવશે. 

અન્ય સમાચારો પણ છે...