કાર્યવાહી:શહેરમાં વાહનચોરીમાં ઝડપાયેલા હોમગાર્ડ સદસ્યને સસ્પેન્ડ કરાયો

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કમાન્ડન્ટના આદેશથી અન્ય કર્મીઓમાં ફફડાટ
  • પોલીસ હેડકવાર્ટરમાંથી મોટરસાયકલની ઉઠાંતરી કરી હતી

જામનગરના પોલીસ હેડક્વાર્ટરમાંથી સ્કૂટરની ચોરીના આરોપસર ઝડપાયેલા હોમગાર્ડના સદસ્યને જિલ્લા કમાન્ડન્ટે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. જિલ્લા કમાન્ડન્ટના આદેશથી અન્ય હોમગાર્ડઝ કર્મચારીઓમાં ફફડાટની લાગણી ફેલાઇ છે.

જામનગરના સરૂ સેકશન રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટરમાં ટોઈંગ કરીને રાખવામાં આવેલા વાહનોમાંથી એક સ્કૂટરની ચોરી થઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. આ બનાવની પોલીસે હાથ ધરેલી તપાસમાં તે સ્થળે નાઈટ ડયૂટીમાં નોકરી પર આવતા હોમગાર્ડના સદસ્ય જોગીન્દરસિંહ દિલીપસિંહ ગોહિલે તે વાહન ઉઠાવ્યાની વિગતો ખુલી હતી. આથી પોલીસે આ શખસની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે ઉપરોકત વાહન ઉઠાવ્યાની કબૂલાત આપી હતી.

આ શખસની વાહનચોરીના ગુનામાં ધરપકડ થયા પછી જામનગર જિલ્લા હોમગાર્ડના સિટી સી યુનિટના આ સદસ્ય સામે જિલ્લા કમાન્ડન્ટે આકરા પગલાં ભર્યાં છે. આ સદસ્યને તાત્કાલિક અસરથી હોમગાર્ડઝમાંથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરાયો છે. જિલ્લા કમાન્ડન્ટના આદેશથી અન્ય હોમગાર્ડઝ કર્મચારીઓમાં ફફડાટની લાગણી ફેલાઇ છે.

શહેરમાં પોલીસ હેડકવાર્ટરમાંથી વાહનની ઉઠાંતરી થતાં જેતે સમયે આ બનાવ ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. આટલું જ નહી આ બનાવથી પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠયા હતાં. આથી પોલીસે તાકીદે આ બનાવની તપાસ હાથ ધરી હતી, જેમાં હેડ કવાર્ટરમાંથી હોમગાર્ડઝના જવાને જ વાહન ચોરી કરી હોવાનું ખુલતા તેની સામે સસ્પેન્ડ સુધીના પગલા લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...