હોલી રસિયા મહોત્સવ:જામનગરમાં વૈષ્ણવ આચાર્ય વ્રજ રાજકુમારજીના સાનિધ્યમાં હોલી રસિયા મહોત્સવ યોજાયો

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના પ્રણેતા વલ્લભકુલભૂષણ દેખાવાચાર્ય, વ્રજરાજકુમાર મહોદયજીના સાનિઘ્યમાં કેશવજી અજણ લેઉવા પટેલ સેવા સમાજ, રણજીતનગર જામનગર ખાતે હોલી રસિયા ફૂલ-રાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિરાળ સંખ્યામાં વૈષ્ણવ ભાઇઓ- બહેનો ઉપસ્થિત રહ્યા હતાં. જામનગર રઘુવંશી સમાજના પ્રમુખ અને વીવાથઓ જામનગર શહેરના પ્રમુખ જીતુભાઈ લાલ, જામનગર લેઉવા પટેલ સેવા સમાજના પ્રમુખ મનસુખભાઇ રાબડીયા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતાં અને આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ તકે જીતુ લાલ પોતાની કૃષ્ણ ભકિતને રોકી શકયા ન હતા અને રસીયાના રંગે એવા રંગાયા કે ફેરફુદરડી હરી લીધી.આ ઉપરાંત પ્રસિધ્ધ કૃષ્ણ લીલાઓની પ્રસ્તુતિએ વૈષ્ણવોને ભાવ વિભોર કરી દીધા હતાં.

યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા બરોડાના મોટી હવેલીના વ્રજરાજકુમારજી મહોદયની ઉપસ્થિતિમાં ગઈકાલે સાંજે રણજીતનગર ખાતે આવેલા લેઉઆ પટેલ સમાજ ખાતે 'હોલી રસિયા' ના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના પ્રમુખ જીતેન્દ્ર લાલ, પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા સહિત આગેવાનો તેમજ મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા. આ કાર્યક્રમમાં વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીનું આગેવાનો તેમજ વૈષ્ણવો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અને તેઓ ઉપર ફૂલોની પાંખડીઓનો વરસાદ કરી હોળી રસિયા કાર્યક્રમની- શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ કૃષ્ણલીલાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ મહોત્સવમાં વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર દ્વારા પ્રવચન યોજાયું હતું ત્યારબાદ આ કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો ભાઈઓ બહેનો તેમજ બાળકો સહિતના વૈષ્ણવોએ ફૂલની પાંખણી તેમજ કલર એકબીજા પર ઉડાડી હોળી રસિયા ઉત્સવની ઉજવણી કરી હતી. આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા ભરતભાઈ કાનાબાર તેમજ વીયાયઓ જામનગરની યુવા અને મહિલા ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરતભાઇ કાનાબાર કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...