જામનગરમાં ગોડસેની પ્રતિમાથી વિવાદ:હિન્દુ સેનાએ નથુરામ ગોડસેની પ્રતિમા મૂકી એના 24 કલાકમાં જ કોંગ્રેસે તોડી નાખી; હિન્દુ સેના અને કૉંગ્રેસ દ્વારા સામસામી પોલીસ ફરિયાદ નોંધાવાઈ

જામનગર23 દિવસ પહેલા
ગોડસેની પ્રતિમાને શહેર કોંગ્રેસ પ્રમુખે તોડી.
  • પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હોવાની જાણ થતાં જ શહેર કોંગ્રેસે વિરોધ કર્યો

જામનગરમાં હિન્દુ સેના દ્વારા છેલ્લા થોડા સમયથી ગોડસેની પ્રતિમા મૂકવા માટે જમીનની માગ કરવામાં આવી હતી. જોકે એ માટે જમીન ન મળતાં હિન્દુ સેના દ્વારા હનુમાન આશ્રમ ખાતે ગોડસેની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હોવાની જાણ થતાં જ શહેર કોંગ્રેસે એનો વિરોધ કર્યો હતો. ગઇકાલે પ્રતિમા સ્થાપિત થયાના 24 કલાકમાં જ કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરીને એને તોડી પાડવામાં આવી હતી. આ અંગે હિન્દુ સેનાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ અહિંસાનો માર્ગ છોડીને હિંસાના માર્ગે ચાલી રહી છે. આ મામલે હિન્દુ સેનાના ગુજરાત પ્રમુખ પ્રતીક ભટ્ટ દ્વારા શહેર કૉંગ્રેસ પ્રમુખ અને કૉંગ્રેસના કોર્પોરેટર ધવલ નંદા સામે ફરિયાદ નોંધાવી છે. તો શહેર કૉંગ્રેસ પ્રમુખ દ્વારા હિન્દુ સેનાના પ્રમુખ સહિત 6 લોકો સામે વળતી ફરિયાદ નોંધાવવામા આવી છે.

હિન્દુ સેના ફરિયાદ નોંધાવશે
સોમવારે હિન્દુ સેના દ્વારા મૂકવામાં આવેલી નથુરામ ગોડસેની પ્રતિમાને મંગળવારે સવારે કોંગ્રેસ શહેર પ્રમુખ દિગુભા જાડેજાએ તોડી પાડી હતી. કોંગ્રેસ-પ્રમુખ સહિત કાર્યકરોએ પ્રતિમાને પથ્થરો માર્યા હતા. ખાનગી જગ્યામાં સ્થાપિત કરવામાં આવેલી ગોડસેની પ્રતિમાને કોંગ્રેસ દ્વારા તોડી પડાતાં હિન્દુ સેના દ્વારા ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને પગલે પોલીસકાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો.

કોંગ્રેસ દ્વારા પ્રતિમા તોડવામાં આવી.
કોંગ્રેસ દ્વારા પ્રતિમા તોડવામાં આવી.

કોંગ્રેસ-પ્રમુખે હલકી કક્ષાનું કામ કર્યુંઃ પ્રતીક પટેલ
હનુમાન આશ્રમ ખાતે સ્થાપિત કરવામાં આવેલી ગોડસેની પ્રતિમા તોડી પાડવા અંગે હિન્દુ સેનાના પ્રતીક પટેલે જણાવ્યું હતું કે અહિંસાના પૂજારી હિંસાના માર્ગે છે. કોંગ્રેસના પ્રમુખે હલકી કક્ષાનું કામ કર્યું છે. પ્રતિમાને પહેરાવવામાં આવેલો ભગવો તેમજ શ્રીરામ લખેલી શાલને પણ કચરામાં ફેંકી ધર્મનું અપમાન કર્યું છે.

પ્રતિમાને પહેરાવવામાં આવેલો ભગવો અને શાલ પણ કચરામાં ફેંકાયાં.
પ્રતિમાને પહેરાવવામાં આવેલો ભગવો અને શાલ પણ કચરામાં ફેંકાયાં.

15 નવેમ્બરે ગોડસેની પ્રતિમા સ્થાપિત કરી
જામનગરમાં હિન્દુ સેના દ્વારા નથુરામ ગોડસેની પુણ્યતિથિ નિમિત્તે ગોડસેની પ્રતિમા સ્થાપિત કરી ‘ન મરા થા, ન મરેગા, સદીઓ તક જિંદા રહેગા’ના નારા પોકારવામાં આવ્યા હતા. અગાઉ 8 ઓગસ્ટે હિન્દુ સેનાએ ગોડસેની પ્રતિમા મૂકવા આયોજન કર્યું હતું. તંત્રએ પ્રતિમા મૂકવા માટે જગ્યાની ફાળવણી નહીં કરતાં સ્થાનિક હનુમાન આશ્રમમાં સોમવારે પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. હિન્દુ સેનાના ગુજરાતના અધ્યક્ષ પ્રતીક ભટ્ટ તથા મંદિરના મહંત સહિતના લોકોની હાજરીમાં ગોડસેની પ્રતિમા મુકાઈ હતી.

હિન્દુ સેના દ્વારા સોમવારે ગોડસે પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી.
હિન્દુ સેના દ્વારા સોમવારે ગોડસે પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી.

ગોડસેની પ્રતિમા માટે તંત્ર પાસે જમીન મગાઈ હતી
ગોડસેની પ્રતિમાને લઇને પહેલેથી વિવાદ ચાલી આવ્યો છે. પ્રતિમા સ્થાપિત કરવા માટે તંત્ર પાસે જગ્યાની માગણી કરવામાં આવી હતી, પરંતુ જગ્યાની ફાળવણી તંત્ર દ્વારા કરવામાં આવી નહોતી. સંદર્ભે લેખિતમાં પણ કોઇ જવાબ ન મળતાં હિન્દુ સેનાએ 15 નવેમ્બરના રોજ પોતાની જગ્યામાં ગોડસેની પ્રતિમા સ્થાપિત કરી હતી.

આ અંગે હિન્દુ સેનાના પ્રતિક ભટ્ટે જણાવ્યું હતું કે, 15 નવેમ્બરે હિન્દુ સેનાએ નથુરામ ગોડસેની પ્રતિમા મૂકવાનું નક્કી કર્યું હતું તે મુજબ ગઇકાલે પ્રતિમા મૂકાઇ હતીં. જેના બીજા દિવસે છાનછુપી આવી કોંગ્રેસના પ્રમુખ અને કોર્પોરેટરે સાથે મળીને પ્રતિમાને નુકસાન કર્યું અને ભગવા ખેસને પણ કરચામાં ફેકી દીધો છે. નથુરામ ગોડસે વિશે તેમને જાણ નથી. નથુરામ ગોડસેએ નાની ઉમરમાં પ્રતિજ્ઞા લીધી હતી કે હિન્દુ રાષ્ટ્ર જાહેર નહીં થાય ત્યાં સુધી હુ લગ્ન નહીં કરૂ. તે ભાવના યુવાઓમાં પ્રેરણારૂપ બને તે માટે પ્રતિમા મૂકવામાં આવી હતીં.

આ અંગે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, છેલ્લા બે મહિનાથી 'હુ તુ અને રતનીયો' હિન્દુના નામે હિન્દુઓને ગુમરાહ કરતી સંસ્થા ચલાવે છે, તે વ્યક્તિઓ મહાત્માગાંધીની વિચારધારની હત્યા કરી છે એવા માણસોની જામનગરમાં પ્રતિમા મૂકવી, બેનરો ચડાવવા અને પત્રિકા વેચવી જેવી હિન્દુ સેનાના નામે લોકોને ગુમરાહ કરે છે. બે મહિના પણ મે કહ્યું હતુ કે, ગોડસેનું બેનર પણ લાગશે તો કોંગ્રેસ સાંખી નહીં લે. છતાં ગઇકાલે ગોડસેની પ્રતિમા મૂકાઇ જેથી ગાંધીની વિચારધારા માની આ પગલુ અમે ભર્યું છે.

ગોડસેની પ્રતીમા મામલે સામસામી ફરિયાદ નોંધાઈ
હિન્દુ સેના દ્વારા સ્થાપિત કરવામા આવેલી ગોડસેની પ્રતિમા કૉંગ્રેસના નેતાઓ દ્વારા તોડી નખાતા હિન્દુ સેના દ્વારા કૉંગ્રેસના શહેર પ્રમુખ અને કોર્પોરેટર ધવલ નંદા સામે ફરિયાદ નોંધાવી છે. તો સામે શહેર કૉંગ્રેસ પ્રમુખ દ્વારા હિન્દુ સેનાના પ્રમુખ સહિત 6 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...