જામનગર નજીક આવેલા ખીજડીયા પક્ષી અભ્યારણને પક્ષીઓનું સ્વર્ગ માનવામાં આવે છે જે વિશ્વભરમાં જાણીતું છે. દર વર્ષે શિયાળાની સિઝનમાં પેલીકન, કુંજ, પોચાડ સહિત અનેક વિદેશી પક્ષીઓ ખીજડીયા પક્ષી અભ્યારણ્યના મહેમાન બને છે. ચાલુ વર્ષે એટલે કે સતત પાંચમા વર્ષે હિમાલય અને માનસરોવર ઓળંગીને આવતા ગાજહંસ પક્ષી અભ્યારણ્યના મહેમાન બન્યા છે.
ચારેક વર્ષ પહેલાં 60 ગાજ હંસ પક્ષીનું ગ્રુપ ખીજડીયાનું મહેમાન બન્યું હતું. અહીંનું શિયાળાનું વાતાવરણ અનુકૂળ બનતા દર વર્ષે તેની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ગત વર્ષે અંદાજે 1000 જેટલા ગાજ હંસ આવ્યા હતા. ત્યારે આ વર્ષે 1500થી વધુ આવ્યાનું પ્રાથમિક અનુમાન છે. સામાન્ય રીતે આ પક્ષી ખીજડીયા અભ્યારણ્યના બંને પાર્ટમાં જોવા મળે છે. પરંતુ સૌથી વધારે પાર્ટ-1 માં જોવા મળે છે તેમ જામનગરના આરએફઓ દક્ષાબેન વઘાસિયા જણાવ્યું હતું.
જામનગર જિલ્લામાં 312 પ્રકારના પક્ષીઓ જોવા મળે છે
દરિયાઇ કિનારે જામનગરથી માત્ર 12 કીમીના અંતરે આવેલા ખીજડીયા પક્ષી અભ્યારણમાં ખારા પાણી અને મીઠા પાણીના તલાવડા ભરેલા રહે છે. વિશ્વમાં આશરે પક્ષીઓની 8600 પ્રજાતિ હોવાનો અંદાજ છે. જેમાં ભારતીય ઉપખંડમાં આશરે 1230 પ્રકારના પક્ષીઓ અને તે પૈકી આશરે 453 પ્રકારના પક્ષીઓ ગુજરાતમાં જોવા મળે છે. જેમાં જામનગર જિલ્લામાં 312 જાતનાં પક્ષીઓ જોવા મળ્યાનું નોંધાયું છે. ખીજડીયાના અભ્યારણ્યમાં સપ્ટેમ્બરથી એપ્રિલ દરમિયાન આશરે 170 જાતના યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા આવતા હોય છે. જેમાં જમીન પર, ઝાડ પર અને પાણીમાં તરતા પક્ષીઓનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.