જામજોધપુરના નવ નિયુક્ત ધારાસભ્ય હેમંત ખવાએ જામજોધપુર અને લાલપુર વિસ્તારના રોડ રસ્તા સહિતના 20 થી વધુ પ્રશ્નોને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળીને સમસ્યાના નિરાકરણ માટે પત્ર લખી રજૂઆત કરી હતી. તેમજ તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગણી કરી છે. ધારાસભ્ય હેમંત ખવાએ જામજોધપુર તાલુકાના 105 જેટલા ગામોની રૂબરૂ મુલાકાત કરી ગ્રામજનોના વિવિધ 500થી પણ વધુ પ્રશ્નોની નોંધ લઈને યોગ્ય કાર્યવાહી કરી મહત્તમ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું હતું. વધુમાં ધારાસભ્ય બનતાની સાથે જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રૂબરૂ મળી 29 જેટલા રસ્તા અને 24 કોઝવે અને 19 નોન પ્લાન રસ્તાના કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવા રજૂઆત કરી હતી. આ ઉપરાંત વિસ્તારના પાણી બાબતના પ્રશ્નને લઈને પુરવઠા મંત્રી કુંવરજી બાવરીયા સાથે મુલાકાત કરી હતી. લાલપુર-જામજોધપુર વિસ્તારના ખેડૂતોના પાણીના પ્રશ્નો તેમજ સિંચાઈ માટેના ડેમોની સમસ્યાની વાત રજૂ કરી હતી. લાલપુર તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્રની રૂબરૂ મુલાકાત લઇ સંશોધન અને સ્ટાફની ઘટ બાબતે પણ સરકારમાં રજૂઆત કરી હતી. વિસ્તારમાં લાલપુર જામજોધપુરના ગામડાઓમાંથી એસટી બસ માટે પરિવહનના પ્રશ્નો બાબતે પણ એસટી વિભાગને રજૂઆત કરી અને તાત્કાલિક ધોરણે નિકાલ કરવાની માંગ કરી હતી. ધારાસભ્યએ 10થી વધારે શાળાઓની રૂબરૂ મુલાકાત લઇ શિક્ષકો સાથે ચર્ચા કરી હતી અને શાળાઓમાં ઓરડા અને ઘટતા શિક્ષકો માટે સ્ટાફ પૂરો પાડવાની ઉગ્ર રજૂઆત કરી હતી.
જામજોધપુર-લાલપુર વિસ્તારના સામાજિક આગેવાનો સાથે મુલાકાત કરી તેમના પ્રશ્નો સાંભળી અને નિરાકરણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. ગુરુવારે લાલપુર ખાતે ગ્રામજનોના પ્રશ્નનો નિકાલ કરવા માટે ધારાસભ્ય હેમંત ખવા દ્વારા લોક દરબાર યોજવામાં આવે છે. તેમજ સોમવારે જામજોધપુર ઓફિસ ખાતે પ્રજાના પ્રશ્નોના નિકાલ માટે ધારાસભ્ય રૂબરૂ મુલાકાત કરે છે. જામનગરના લાલપુર તાલુકાના રેલવે પ્રશ્ન માટે રેલવે ડિવિઝનને પણ પત્ર લખીને રજૂઆત કરી છે. જેમાં લાલપુર રેલવે સ્ટેશન ખાતે પસાર થતી ટ્રેનોને સ્ટોપ આપવા ગ્રામજનોની માગણી હતી તે માગણી બાબતે રેલવે ડિવિઝનને પત્ર લખીને જાણ કરી છે. નવનિયુક્ત ધારાસભ્ય હેમંત ખવાએ જામનગરની જી.જી હોસ્પિટલની મુલાકાત લઇ કોરોનાની તૈયારી અંગે સમીક્ષા બેઠક યોજી હતી. ત્યારબાદ વિસ્તારના પ્રશ્નોને વાચા આપવા માટે ગામે ગામે ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પોતે જાતે જ પ્રયાસ કરે છે, જેથી મોટી સંખ્યામાં ગ્રામજનો લાલપુર અને જામજોધપુરમાં લોક સંપર્ક દરમિયાન જોવા મળે છે, લોકોના પ્રાણ પ્રશ્નોને સરકારમાં પણ ઉગ્ર રજૂઆત કરવા માટે હંમેશા તૈયાર હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.