માવઠાને પગલે ખેડૂતો ચિંતામાં:જામનગર જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી ઝાપટા, રવિપાકમાં ભારે નુકસાનની ભીતિ

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામજોધપુર અને લાલપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અડધોથી એક ઇંચ વરસાદ
  • જીરૂ, ધાણા, રાઈ, ચણા સહિતના પાકમાં વ્યાપક નુકસાનની સંભાવનાઓ

જામનગરમાં આજે ગુરૂવારે વહેલી સવારથી કમોસમી વરસાદ પડવાનો શરૂ થઈ ગયો છે. જેમાં ગઈકાલે બુધવારે સાંજે જામનગર ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદે વ્યાપક માઠી અસર ઉભી કરી છે. જામજોધપુર અને લાલપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અડધોથી એક ઇંચ વરસાદ પડી જતા શિયાળુ પાકને વિપરીત અસર થઇ છે.

જામનગર સહિત સૌરાષ્ટ્રમાં 6 અને 7 જાન્યુઆરીએ વાદળછાયા વાતાવરણ સાથે હળવો કમોસમી વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જે મુજબ જામનગર જિલ્લામાં ગઈકાલથી જ માહોલ બદલાયો છે. ગઈકાલે આખો દિવસ વાદળછાયું વાતવરણ રહ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં સાંજે પડેલા કમોસમી વરસાદે જીરું, ચણા સહિતના પાકમાં વ્યાપક નુકસાની પહોંચાડી છે. જેના પગલે ખેડૂતો ચિંતામાં જોવા મળ્યા છે.

આજે વહેલી સવારથી જ જિલ્લાભરમાં છુટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. આ માહોલ આવતીકાલ સુધી યથાવત રહેશે. ગઈકાલે જામજોધપુરના ગોપ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અડધાથી પોણો ઇંચ વરસાદના અહેવાલ સાંપડ્યા છે. ત્યારે જીરૂ, ધાણા, રાઈ, ચણા, શાકભાજી પાકમાં રોગ જીવાતનો ખતરો ઉભો થવાની શક્યતા છે. વાદળછાયા વાતાવરણને ધ્યાને લઈ હાલમાં ખેતરમાં ઉભા પાક જેવા કે દિવેલા, કપાસ, રાઈ, જીરૂ, ચણા, શાકભાજી વગેરે પાકમાં ખેડુતોએ સાવચેતી અને સલામતીના પગલાં લઈ ખેતીપાકોમાં જોખમ ઘટાડવા કાળજી લેવી આવશ્યક છે. જેમાં વીણી કરેલા શાકભાજી કે કાપણી કરેલા પાક હોય તો વરસાદથી પાક ભીંજાય નહી તે માટે કાપણી કરેલા તૈયાર પાક ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવા ખેતીવાડી તંત્ર દ્વારા નિર્દેશ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...