વરસાદ અપડેટ:જામનગર જિલ્લામાં મેઘરાજાએ એક જ દિવસમાં પાણીનું ચિત્ર પલટ્યું, ધોધમાર વરસાદના કારણે જિલ્લાના 25માંથી 17 ડેમ ઓવરફ્લો

જામનગર3 મહિનો પહેલા
  • ભારે વરસાદના પગલે ત્રણ સ્ટેટ હાઈવે અને એક નેશનલ હાઈવે અસરગ્રસ્ત થયા
  • અલગ અલગ વિસ્તારમાં ફસાયેલા 16 લોકોને હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરવામા આવ્યા

જામનગર જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમિયાન વરસેલા વરસાદે જિલ્લાની પાણીની અને ખેતીની સ્થિતિનું ચિત્ર પલટાવી નાખ્યું છે. લોકો સારા વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યા હતા તેની બદલે હાલ કેટલાક વિસ્તારમાં સ્થિતિ એવી છે કે, લોકો મેઘરાજા ખમૈયા કરે તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે. જામનગર જિલ્લામાં આજે સવારે 6 થી સાંજે 8 વાગ્યા દરમિયાન સૌથી વધુ કાલાવડ તાલુકામાં 17 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. જેના કારણે કાલાવડ અને જામનગર તાલુકાના અનેક ગામો બેટમાં ફેરવાયા હતા.

ભારે વરસાદના કારણે શહેર-જિલ્લાની તમામ શાળાઓ બંધ રહેશે

જામનગર શહેર-જિલ્લામાં ભારે વરસાદને પગલે આવતીકાલે મંગળવારે જામનગર જિલ્લા શિક્ષણ અધિકારીએ જામનગર શહેર જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે.

જામનગર જિલ્લામાં આજે સવારે 6 થી સાંજે 8 વાગ્યા દરમિયાન સૌથી વધુ કાલાવડ તાલુકામાં 17 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે જામનગર તાલુકામાં સાડા પાંચ ઈંચ, ધ્રોલમાં 4 ઈંચ, જોડિયામાં દોઢ ઈંજચ, જામજોધપુરમાં અને લાલપુરમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચોઃ જામનગરમાં ભારે વરસાદનાં ભયાવહ દૃશ્યો

ઘોડાપૂરના કારણે વાહનવ્યવહારને અસર પહોંચી
જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે જિલ્લામાં આવેલ કુલ ત્રણ સ્ટેટ હાઇવે અને એક નેશનલ હાઈવે અસરગ્રસ્ત થતાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવેલ છે જેમાં માળીયા-આમરણ-જાંબુડા સ્ટેટ હાઇવે (કેશીયા ગામ પાસે) તા. જોડીયા, રાજકોટ-જામનગર સ્ટેટ હાઇવે(ધુંવાવ, ખીજડીયા ગામ પાસે) તા. જામનગર ગ્રામ્ય અને માળિયા-આમરણ-જાંબુડા સ્ટેટ હાઇવે (ખીરી,બાલાચડી ગામ પાસે) તા. જોડીયા તેમજ જામનગર-કાલાવડ-ધોરાજી નેશનલ હાઈવે,(વિજરખી ગામ પાસે)તા. જામનગર અસરગ્રસ્ત થયેલ છે તથા માર્ગ અને મકાન વિભાગ દ્વારા વૈકલ્પિક રસ્તાની આવશ્યક વ્યવસ્થા કરવામાં આવેલ છે.તદુપરાંત જામનગર તાલુકાના જામવંથલી અને ચાવડા ગામ વચ્ચે પાણીમાં ફસાયેલા એક એસ.ટી. મીનીબસ અને ધુડશિયા ગામે પાણીમાં ફસાયેલા ૧ એસ.ટી બસને સ્થાનિકો દ્વારા સલામત જગ્યાએ ખસેડી લેવામાં આવેલ છે.

16 લોકોને એરલિફ્ટ કરવામા આવ્યા
જામનગરના અનેક ગામડાઓ બેટમાં ફેરવાતા SDRF-NDRF ઉપરાંત એરફોર્સની પણ બચાવ કામગીરી માટે મદદ માગવામા આવી હતી. એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા બાંગા સહિતના ગામડાઓમાંથી 16 લોકોને એરલિફ્ટ કરી સલામત સ્થળે ખસેડવામા આવ્યા હતા.

પંચકોશી આસપાસનો વિસ્તાર બેટમાં ફેરવાયો
જામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થઇ ચૂક્યું છે. આજુબાજુના વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયા છે. દુઆ ગામમાં ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

વોરાના હજીરા પાસે પૂલ પર પાણી ફરી વળ્યા
શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કાલાવડ નાકા બહાર તેમજ વોરાના હજીરા પાસે પૂલ પર પાણી ફરી વળ્યા છે. લોકોને સ્થળાંતર કરવા માટે તંત્ર એલર્ટ કરવામાં આવ્યું છે.

જામનગર જિલ્લાના 25 પૈકીના 17 જળાશય ઓવરફ્લો
જામનગર જિલ્લામાં 25 પૈકી 17 ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારમાં ખાના ખરાબી સર્જી હતી. જામનગર જિલ્લામાં શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે માત્ર ગણતરીના કલાકોમાં જિલ્લામાં કુલ ૨૫ પૈકી 17 જળાશયો છલકાઈ ગયા છે તેમજ ત્રણ જેટલા જળાશયોમાં ૮૦ ટકાથી વધુ પાણી ભરાયેલ ગયેલ છે. જિલ્લાના છલકાયેલા જળાશયોના પાણી નીચાણ વાળા વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે.જામનગર જિલ્લામાં ફુલઝર-1,સપડા, બાલંભડી ,વોડીસંગ, વાગડીયા, રણજીતસાગર ,આજી ૪ ,ઉંડ૧ ,ઉંડ 2, ઉમિયાસાગર ,વીજરખી, કંકાવટી, ઉંડ 3 ,ફોફળ 2,ઉંડ 4 અને રૂપારેલ ડેમ ઓવરફ્લો થયા છે.

રણજીતસાગર ડેમ ઓવરફ્લો
જામનગર શહેરને જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ એક જ દિવસમાં ઓવરફ્લો થયો હતો. જેથી જામનગર શહેરને પીવાના પાણીનું જળ સંકટ ટળ્યું હોવાથી લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

મોટાભાગના ગામડાઓના સંપર્ક થતા નથી
ધારાસભ્ય રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસ્યો છે. રવિવારે દિવસે તેમજ રાત્રે જામનગર તાલુકાના મોટાભાગના ગામડામાં ભારે વરસાદ વરસ્યો છે અને અતિવૃષ્ટિની પરિસ્થિતિ સર્જાઈ છે. ઘણા ગામડાઓમાં નદી અને વોકરાના પાણી ઘુસી ગયા છે. લોકો જીવ બચાવવા માટે મકાનના બીજા માળે ચઢી ગયા છે. મોટાભાગના ગામડાઓના સંપર્ક થતા નથી. જામનગર તાલુકામાં આવેલા તમામ ડેમો એક દિવસમાં છલકાઈ ગયા છે અને હું માનું છું ત્યાં સુધી ઈતિહાસમાં ન થયો હોય તેટલો વરસાદ એક દિવસ એટલે કે 24 કલાકમાં અતિ ભારે વરસાદ પડ્યો છે.

જામનગરના વકીલ મંડળ દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરાયા
જામનગર શહેર અને તાલુકામાં કેટલાક વિસ્તારોમાં પૂરના કારણે અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. જેના કારણે લોકો માટે આજે રસોઈ બનાવવી મુશ્કેલ છે. એવામાં જામનગરના વકીલ મંડળ દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરી જરુરિયાતમંદ લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામા આવી હતી. વકીલ હેમલ ચોટાઈ, રાજેશ ગોસાઈ, રાજેશ કનખરા,ઉદયસિંહ ચાવડા, ગિરીશ સરવૈયા, હેમલસિંહ પરમાર, રૂચિર રાવલ, ધર્મેન્દ્ર જીવરાજાની, નિતલ ધ્રુવ, વિરલ રાચ્છ, શૈલેષ બાબરિયા, અશોક કેશવાલા, મયુર પંડ્યા સહિતના વકીલોએ ફૂડ પેકેટ તૈયાર કરી જરુરિયાતમંદ લોકો સુધી પહોંચાડ્યા હતા. વકીલ મંડળ ઉપરાંત અન્ય સમાજ સેવી સંસ્થાઓ પણ મદદ માટે આગળ આવી હતી અને ફૂડ પેકેટ બનાવી જરુરિયાતમંદ લોકો સુધી પહોંચાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...