જામનગર જિલ્લાના તમામ તાલુકા મથકો પર આરોગ્ય મેળાનું આયોજન કરાયું છે. જેમાં ચેપી-બિનચેપી રોગનું નિદાન, આયુષ્યમાન કાર્ડ સહિતના લાભ અપાશે. ટેલી મેડીસીનનો ઉપયોગ તથા સમજ પૂરી પાડવામાં આવશે. જામનગર જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી અને જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લાના દરેક તાલુકા મથકો પર તંત્ર દ્વારા આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત તા.18 એપ્રિલના જામનગર તાલુકા, તા.19ના કાલાવડ, તા.20ના લાલપુર, તા.21 ના જામજોધપુર, તા.22 ના ધ્રોલ અને તા.23 ના જોડિયા ખાતે હેલ્થ મેળાનું આયોજન લગત તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા કરવામાં આવ્યું છે.
આ હેલ્થ મેળા દરમિયાન આરોગ્ય વિભાગના વિવિધ પોગ્રામ અને યોજના વિશે જન જાગૃતિ કેળવવી, આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન હેઠળ યુનિક હેલ્થ આઈ.ડી. કાર્ડ માટે માર્ગદર્શન, આયુષ્માન ભારત કાર્ડ માટે માર્ગદર્શન માહિતી, ચેપી તથા બિનચેપી રોગો નિદાન સારવાર તથા જનજાગૃતિ, આરોગ્યપ્રદ ટેવો કેળવવા સમજ તથા જાગૃતિ અને પ્રાથમિક સારવાર માટે ટેલી મેડીસીનનો ઉપયોગ તથા સમજ પૂરી પાડવી વગેરે કામગીરી દ્વારા જનજાગૃતિ કેળવી લોકોને આરોગ્ય ક્ષેત્રે મદદરૂપ થવાના ઉમદા અભિગમ સાથે હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આરોગ્ય મેળાનો બહોળા પ્રમાણમાં લાભ લેવા જિલ્લાના નાગરિકોને જિલ્લા વહીવટીતંત્રએ અનુરોધ કર્યો છે. આરોગ્ય મેળા દરમિયાન સરકારની જુદી-જુદી આરોગ્ય લક્ષી યોજનાઓની જાણકારી પણ લોકોને આપવામાં અાવશે. આરોગ્ય મેળામાં વિવિધ રોગોનું નિદાન-સારવાર કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.