કાર્યવાહી:દર્શન માટે મંદિરની ચાવી લીધી તેણે જ 30 હજારનો હાથફેરો કર્યો, ઠેબા ગામે ખોડીયાર મંદિરમાં તસ્કરીનો ભેદ ઉકેલાયો

જામનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોકડ અને બાઇક સહિત 63 હજારની માલમતા કબજે

જામનગરની ભાગોળે ઠેબા ગામે ખોડીયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે ચાવી મેળવી લીધા બાદ અંદર દાનપેટી તોડીને રૂ. 30 હજારની ચોરી મામલે અજ્ઞાત શખસ સામે ફરીયાદ નોંધાઇ હતી જે ચોરીના બનાવનો ભેદ પંચ-એ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખતા રોકડ સાથે જામનગરના એક ફલોર મીલધારકને દબોચી લીઘો હતો.પોલીસે તેના કબજામાંથી રોકડ અને બાઇક સહિત રૂપિયા 63 હજારની માલમતા કબજે કરી હતી.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર ઠેબામાં રહેતા ગોરધનભાઇ નારણભાઇ પ્રાંગડા નામના પ્રૌઢ પાસે ખોડીયાર મંદિરની ચાવી રખાઇ હતી.જેના ઘરે એક બ્લ્યુ રંગનો શર્ટ પહેરેલો શખસ આવ્યો હતો અને મંદિરે દર્શન કરવા જવુ છે તેમ કહી ઘરેથી ચાવી માંગી લીધી હતી. જેથી આ શખસને ચાવી આપવામાં આવી હતી. ત્યાર બાદ લગભગ ત્રીસેક વર્ષની વયના શખસે મંદિરમાં અંદર પ્રવેશ કર્યો હતો.

મંદિર અંદર રહેલી દાનપેટી તોડી નાખી હતી અને રૂપિયા 30 હજાર જેટલી રોકડ રકમનો ઉસેડો કરી લીધો હોવાનો બનાવ બહાર આવ્યો હતો. ચોરીના આ બનાવની ટ્રસ્ટી અને સેવાપૂજા કરનારાને જાણ થતાં સમગ્ર બનાવ મામલે પોલીસને વાકેફ કરવામાં આવી હતી. જેના પગલે રાજેશભાઇ નારણભઇ પ્રાંગડાની ફરીયાદના આધારે પંચકોશી-એ ડિવિઝન પોલીસે અજાણયા શખસ સામે ગુનો નોંધ્યો હતો.

જેની સીપીઆઇ આર.બી. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.આર. સવસેટાના નેતૃત્વમાં પોલીસે જુદી-જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં. પોલીસે મંદિરની આજુબાજુના સ્થળોએ આવેલા જુદા-જુદા સીસીટીવી કેમેરાના ફુટેજ ચકાસવા સહિતની કાર્યવાહી સાથે તપાસ હાથ ધરી હતી. જે તપાસ દરમિયાન પંચ એપોલીસે બાતમીના આધારે ચોરાઉ મુદામાલ સાથે જગદિશ પરસોતમભાઇ વસોયા (રે.હરીયા કોલેજ રોડ, આશાપુરા હોટલ પાસે, કુદરતી વિલા એપાર્ટમેન્ટ ત્રીજો માળ, બ્લોક નં. 305)ને પકડી પાડયો હતો.

પોલીસે તેના કબજામાંથી રૂપિયા 33 હજારની રોકડ અને બાઇક સહિત રૂપિયા 63 હજારની માલમતા કબજે કરી હતી. પંચકોશી-એ ડિવિઝન પોલીસે પકડાયેલા આ શખસની ઝીણવટભરી પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...