સરનેમને લઈ નણંદનાં ભાભી પર પ્રહાર:'શું 6 વર્ષમાં રીવાબાને સરનેમ બદલવાનો સમય નહોતો મળ્યો કે માત્ર રવીન્દ્ર જાડેજાના નામે પબ્લિસિટી જ મેળવવી છે'

જામનગર6 દિવસ પહેલા

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ગાંધીનગરની ગાદી કબજે કરવા માટે તમામ રાજકીય પાર્ટીઓ ગામડે-ગામડે સભાઓ ગજવી રહી છે. ત્યારે જામનગરમાં જાડેજા પરિવાર સામ-સામે આવી ગયા હોય એવું દેખાઈ રહ્યું છે. જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર ભાજપે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપી છે, ત્યારે કોંગ્રેસ પ્રદેશ મહિલા મોરચાનાં મંત્રી અને રવીન્દ્ર જાડેજાનાં બહેન નયનાબા કોંગ્રેસના બિપેન્દ્રસિંહ જાડેજાના સપોર્ટમાં છે, જેને લઈને નયનાબાએ આજે રીવાબા પર આક્ષેપ કર્યા છે. નયનાબાએ કહ્યું હતું કે રીવાબાએ ક્રમ નંબરમાં રીવાસી હરદેવસિંહ સોલંકીનું ઉપનામ આપ્યું છે અને રવીન્દ્રસિંહને બ્રેકેટમાં રાખ્યા છે. શું છ વર્ષમાં તેમને સરનેમ ચેન્જ કરવાનો સમય ના મળ્યો કે પછી ખાલી રવીન્દ્રસિંહના નામે પબ્લિસિટી મેળવવી છે?

નયનાબાએ રીવાબા સામે આક્ષેપ કર્યા.
નયનાબાએ રીવાબા સામે આક્ષેપ કર્યા.

રીવાબાનું મતદાન મથક રાજકોટમાં: નયનાબા
રીવાબા સામે આક્ષેપ કરતાં નયનાબાએ જણાવ્યું હતું કે રીવાબાનું મતદાન મથક રાજકોટમાં છે. તો તેમને રાજકોટના ઉમેદવાર તરીકે ફોર્મ ભરવું જોઈએ, નહીં કે જામનગરના ઉમેદવાર તરીકે. તે આયાતી ઉમેદવાર છે, જો પોતે ખુદને મત નથી આપવાના તો અહીં કયા હકથી તમે મત માગો છો. ચૂંટણી બાદ તમે રાજકોટમાં જ રહેવાનાં છો, વધુ સમય તમે વિદેશના પ્રવાસે હોવ છો, તો તમે લોકોની સ્થિતિ કંઇ રીતે જાણશો. રીવાબાએ ઈવીએમ મશીનમાં પોતાનું નામ રીવાસી હરદેવસિંહ સોલંકી રાખ્યું છે રવીન્દ્રસિંહ જાડેજાનું નામ બ્રેકેટમાં છે. શું છ વર્ષમાં તેમને સરનેમ ચેન્જ કરાવવાનો સમય ન મળ્યો કે ખાલી પબ્લિસિટી માટે જ રવીન્દ્રસિંહના નામનો ઉપયોગ કર્યો?

કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજા સાથે પ્રચાર સમયે નયનાબા.
કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજા સાથે પ્રચાર સમયે નયનાબા.

રીવાબાએ રાજકોટમાં ઉમેદવારી નોંધાવવી જોઈએ, જામનગરમાં નહીં: નયનાબા
નયનાબાએ જણાવ્યું હતું કે હું મારી ફરજ 78 વિધાનસભામાં નિભાવી રહી છું, એટલે આ ખાલી બેઠક પૂરતો જ બોલવાનો મને અધિકાર હોવો જોઈએ. રીવાબાનું નામ રાજકોટમાં બોલે છે, જેથી તેમને ત્યાં બોલવું જોઇએ અને ત્યાં ઉમેદવારી નોંધાવવી જોઇએ. અહીં મત માગવાનો તમને કોઇ અધિકાર નથી.

નણંદ-ભાભી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ સામસામે હતાં.
નણંદ-ભાભી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ સામસામે હતાં.

નયનાબાને માહિતી પહોંચાડજો કુબેર કોમ્પલેક્ષમાં મારા કાર્યાલય મુલાકાત લે: રીવાબા જાડેજા
​​​​​​​નયનાબાના આક્ષેપ અંગે રીવાબાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, જામનગરની જનતાને ખબર છે કે મારા પતિ જામનગરમાં જ મોટા થયા છે, અહિંયાથી રમીને ઇન્ટરનેશનલ લેવલે પહોંચ્યા છે. મારા મેરેજ પછી એમની સાથે હું ટુરમાં નથી હોતી ત્યારે જામનગરમાં જઇને અનેક લોકસેવાના કાર્યો કર્યા છે. ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી, મારા ટ્રસ્ટના માધ્યમથી ઘણી દીકરીઓના કરિયાવર કરેલા છે. જામનગરના ગરીબ બાળકો અને વિદ્યાર્થીઓ આગળ વધે એના માટે પણ ઘણું કર્યું છે. તમે નયનાબાને માહિતી પહોંચાડજો કે કુબેર કોમ્પલેક્ષમાં મારૂ કાર્યાલય છે એની મુલાકાત લે. જ્યાં અમે ઘણીબધી સેવાકાર્યની પ્રવૃતિ ચલાવીએ છીએ. ​​​​​​​અગ્નિવીર યોજનામાં વિદ્યાર્થીઓ આગળ જાય તે માટે ઘણા ગ્રાઉન્ડ પણ તૈયાર કરાવ્યા છે.

​​​​​​​નયનાબા કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં
જામનગરમાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં બહેન નયનાબાએ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણીની તૈયારીઓ ત્રણ મહિના પહેલાં જ શરૂ કરી દીધી હતી અને જામનગર ઉત્તરમાંથી ટિકિટ માટે દાવેદારી પણ કરી હતી. જોકે કોંગ્રેસે નયનાબાને બદલે બિપેન્દ્રસિંહ જાડેજાને ચૂંટણીજંગમાં ઉતાર્યા છે, જેથી નયનાબાએ કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ નણંદ-ભાભીએ સામસામે કર્યો હતો પ્રચાર
ફેબ્રુઆરી 2021માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ નણંદ-ભાભીએ સામસામે પ્રચાર કર્યો હતો. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં રીવાબાએ ભાજપમાંથી પ્રચારની ધુરા સંભાળી હતી. તો બીજી તરફ તેમનાં નણંદ નયનાબા જાડેજા સામાન્ય લોકો વચ્ચે શેરી-ગલીઓમાં પ્રચાર કરતાં જોવા મળ્યાં હતાં.

નયનાબા ન હોત તો રવીન્દ્ર પણ ક્રિકેટર ન હોત
એક વર્ષ પહેલાં નયનાબાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રવીન્દ્ર માત્ર 17 વર્ષનો હતો અને તેની માતા લતાબા, એટલે કે મારાં માતા અકસ્માતમાં ગુજરી ગયાં હતાં. એ ક્ષણે તો અમારા માથે જાણે આભ જ તૂટી પડ્યું હતું, કારણ કે અમારાં ત્રણ ભાઈ-બહેનમાં રવીન્દ્ર સૌથી નાનો હતો. ભાઈની આંખોમાં તો કંઈક સપનાં હતાં, જેને સાકાર કરવાનાં હતાં. આમ છતાં મેં લતાબાની જગ્યા લઈને આર્મી ઓફિસરની પરીક્ષા પાસ કરવા છતાં રવિને ક્રિકેટર બનાવ્યો. આનું કારણ એટલું જ કે મમ્મીનું સપનું હતું કે રવિ ક્રિકેટર બને, જેને સાકાર કરવામાં મારાથી બનતું બધું જ કર્યું અને સફળતા મળી. આ વાતનું મને ખૂબ જ ગૌરવ છે. નાનપણથી જ માતાનો પ્રેમ આપી રવીન્દ્રને ઉછેર્યો છે.

કોણ છે રાજકારણની પિચ પર ઊતરેલાં રીવાબા
જામનગર ઉત્તરથી ભાજપે રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબાને ટિકિટ આપી છે. સોશિયલ મીડિયા અને મહિલા વિસ્તારમાં સતત એક્ટિવ રહે છે. એની સાથે સાથે મહિલાઓને પગભર કરવા માટે પણ ખૂબ કામ કરે છે. રીવાબા મિકેનિકલ એન્જિનિયર છે અને લગ્ન પહેલાં UPSCની તૈયારી કરતાં હતાં. લગ્ન પહેલાં ક્રિકેટ પણ જોતાં નહોતાં, પરંતુ લગ્ન બાદ તેમને ક્રિકેટ ગમવા લાગ્યું છે. તેઓ પિતા હરદેવસિંહ સોલંકી અને માતા પ્રફુલ્લાબાનાં એકમાત્ર સંતાન છે. તેમના પિતા હરદેવસિંહ સોલંકી મૂળ કેશોદ પાસેના બાલાગામના વતની છે. વર્ષોથી રાજકોટના કોઠી કમ્પાઉન્ડમાં રહે છે. તેમને ખેતીવાડી ઉપરાંત ખાંભા અને રાજસમઢિયાળામાં બે સ્કૂલ છે. સાસણમાં ફાર્મહાઉસ અને નવલખી બંદર પર વે-બ્રિજ છે.

રીવાબા ઘોડેસવારીના છે શોખીન
રવીન્દ્ર જાડેજા અને રીવાબાનાં લગ્ન 17 એપ્રિલ 2016ના રોજ રાજકોટમાં થયાં હતાં. રીવાબા અને રવીન્દ્ર જાડેજાને સંતાનમાં એક પુત્રી છે, જેનું નામ નિધ્યાનાબા છે. રીવાબાએ 7 જૂન 2017ના રોજ નિધ્યાનાબાને સ્ટર્લિંગ હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો. તેઓ પતિ રવીન્દ્રની જેમ ઘોડેસવારી કરવાનાં શોખીન છે. 10 મહિના પહેલાં જ તેઓ ઘોડેસવારી કરવાનું શીખ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...