ઉંડ-4 ડેમ ઓવરફ્લો:આખી રાત વરસાદ વરસતા ડેમમાં નવા નીર, કાલાવડ તાલુકામાં જીવાદોરી સમાન ડેમ છલકાતાં ગ્રામજનોમાં ખુશી

જામનગર3 મહિનો પહેલા
  • ઉંડ-4 ડેમ કાલાવડ તાલુકાના નિકાવા, ખડધોરાજી, પાતામેઘપર સહિતના ગામે માટે જીવાદોરી સમાન

જામનગરના કાલાવડ તાલુકાના ગામોની જીવાદોરી સમાન ઉંડ-4 ડેમ ઓવરફ્લો થયો છે. નિકાવા ગામ પાસે આવેલો ઉંડ-4 ડેમ ઓવરફ્લો થતાં નિકાવા, ખડધોરાજી, પાતામેઘપર સહિતના ગામોના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગત રાતથી આજ સવાર સુધીમાં સતત ધોધમાર વરસાદ પડવાના કારણે કાલાવડ શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં અવરિત વરસાદ પડતાં શહેરના મુખ્યમાર્ગો અને ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં પાણી ભરાયા હતા.

ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં જ ડેમ ઓવરફ્લો
કાલાવડ તાલુકાના જશાપર, મોટાવડાળા, નિકાવા, ખરેડી, આણંદપર, નાના વડાળા, રાજડા, બેડીયા, ખડધોરાજી, પાતામેઘપર સહિતના ગામોમાં રાત્રી દરમિયાન બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. કાલાવડ તાલુકા અને ઉપરવાસના વરસાદના પગલે ઉંડ-4 ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થઇ રહ્યો છે. નવા નીરની આવકથી ઉંડ-4 ડેમ ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં જ ઓવરફ્લો થયો છે.

આગાહીના પગલે સતર્ક રહેવા સૂચના
ભારતીય હવામાન વિભાગ દ્વારા 12 જુલાઇના રોજ સવારે 8.30 વાગ્યાથી 13 જુલાઇના રોજ સવારે 8.30 કલાક સુધીમાં જામનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેના પગલે સ્થાનિકોને નદીના કિનારા વિસ્તારમાં તેમજ ડેમની આસપાસના વિસ્તારમાં અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી છે. આગાહીના પગલે જરૂરી સતર્કતા રાખવા અને બિન જરૂરી પ્રવાસ ન કરવા તથા કોઇ દુર્ઘટના કે બનાવ બનાવે તો તાત્કાલિક કંટ્રોલરુમ પર ફોન નં.- 0288-25534404 પર જાણ કરવા જામનગરના કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...