એક આઈડિયાએ બદલ્યું ખેડૂતનું જીવન:હાપીવાડીનો ખેડૂત છેલ્લાં 4 વર્ષથી સાડા ચાર વિઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી લાખોની કમાણી કરે છે

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અન્ય ખેડુતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો
  • વર્ષે શીયાળુ અને ચોમાસુ એમ બે ઋતુમાં બેથી અઢી લાખની આવક

આજનો યુગ ટેકનોલોજીનો યુગ છે અને આજના આ ટેકનોલોજીના યુગમાં ખેડુતો આધુનિક ટેક્નોલોજી અપનાવવાની સાથે સાથે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યાં છે. રસાયણોથી દુર રહી કુદરતી પાકનું ઉત્પાદન કરી ગ્રાહકો સુધી પહોંચાડી કમાણી કરી રહ્યાં છે. ખંભાળીયા તાલુકાનાં હાપીવાડી ગામના ખેડુત મહેન્દ્રભાઇ કણજારીયા પ્રાકૃતિક ખેતી કરી શાકભાજીનુ વાવેતર કરી આર્થિક રીતે પગભર બન્યાં છે.

વર્ષે બેથી અઢી લાખની કમાણી કરે છે
મહેન્દ્રભાઇએ જણાવ્યુ કે, હું છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહયો છું. સાડા ચાર વિઘા જમીનમાં શાકભાજી અને મગફળીનુ પ્રાકૃતિક રીતે વાવેતર કરું છું. શીયાળુ અને ચોમાસુ એમ બે ઋતુ દરમિયાન પાક લઇ વર્ષે બેથી અઢી લાખની કમાણી કરી રહ્યો છું. પહેલા હું રસાયણના ઉપયોગથી ખેતી કરતો હતો. આ પ્રકારની ખેતીથી જમીન અને આરોગ્ય બંનેને નુકશાન પહોંચી રહ્યુ હતુ. જેથી મને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો વિચાર આવ્યો અને એ જ વિચારને અમલી બનાવ્યો.

ગાયના છાણ અને ગૌમુત્રનો ખેતીમાં ઉપયોગ
વધુમાં મહેન્દ્રભાઇએ કહ્યુ કે, પ્રાકૃતિક ખેતીની સાથે સાથે કુદરતી ખાતર જીવામૃત, પંચગવ્ય પણ જાતે જ બનાવું છું જેથી વધુ પ્રમાણમાં ખર્ચ થતો નથી. જીવામૃત અને પંચગવ્ય જેવા કુદરતી ખાતર બનાવતી વખતે ઉપયોગમાં લેવામાં આવતા ગાયના છાણ અને ગૌમુત્રથી જમીનની અંદર શુષુપ્ત અવસ્થામાં રહેલા અળશિયા જમીનના ઉપરના સ્થળ પર આવી જાય છે અને જમીનને વધુ ફળદ્રુપ બનાવે છે.

ખેડુતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ
પ્રાકૃતિક રીતે ઉગાડેલા આ શાકભાજી જામનગર અને ખંભાળિયામાં વેચુ છું. આ ઉપરાંત આ જ રીતથી મે બટાકાનુ વાવેતર પણ કર્યુ હતું 250 કિલો બટાકા વાવ્યા હતા તેમાં પણ મને સારો ફાયદો થયો હતો. આજે હું અન્ય ખેડુતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા અંગે અનુરોધ કરું છું.

જિલ્લામાં 10 પ્રાકૃતિક ખેતી મંડળીઓની રચના કરવાનો લક્ષ્યાંક
ગુજરાત રાજ્યનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ખેડુતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પણ ખેડુતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા જરૂરી માર્ગદર્શન પુરુ પાડવામાં આવી રહ્યુ છે. ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી મંડળીઓની રચના કરવા પર વિશેષ ભાર મુકવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારના સહકાર વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાને 10 પ્રાકૃતિક ખેતી મંડળીઓની રચના કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો જે પૈકી 4 મંડળીઓની રચના કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...