લોકશાહીનો ઉત્સવ:હાલારની 247 ગ્રામ પંચાયતનો ચૂંટણી સંગ્રામ - જામનગર જિલ્લામાં 75 ટકા, દ્વારકા જિલ્લામાં સરેરાશ 80 ટકા મતદાન

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કડકડતી ઠંડીમાં પણ મતદાન માટે મતદારો ઉમટયા: મતદાનની કતારોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નહીં
  • 635 સરપંચ અને 3569 સભ્યોનું ભાવિ મતપેટીમાં સીલ: મંગળવારે મતગણતરી થશે:બંને જિલ્લામાં મળી કુલ 62 ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ છે

હાલારની 247 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રવિવારે મતદાન થયું હતું. જેમાં જામનગર જિલ્લામાં સરેરાશ 75 ટકા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરેરાશ 80 ટકા મતદાનનો સમાવેશ થાય છે. કડકડતી ઠંડીમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન માટે મતદારો ઉમટી પડયા હતાં. પરંતુ મતદાનની કતારોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મહદઅંશે શાંતિપૂર્ણ મતદાન થયું હતું. 635 સરપંચ અને 3569 સભ્યોનું ભાવિ મતપેટીમાં સીલ થયું છે. મંગળવારે મતગણતરી થશે.બંને જિલ્લામાં મળી કુલ 62 ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ છે.

જામનગર જિલ્લાની 195 ગ્રામ પંચાયત પૈકી 34 સમરસ થતાં 14 સરપંચ અને 398 સભ્ય બિનહરીફ ચૂંટાયા છે. 119 પંચાયતની ચૂંટણી માટે રવિવારે મતદાન થયું હતું. સવારે મતદાનની શરૂઆતમાં ધીમું મતદાન થયું હતું. પરંતુ બાદમાં કડકડતી ઠંડીમાં પણ મતદારો મતદાન કરવા ઉમટી પડતા મતદાન મથકો પર કતારો જોવા મળી હતી.

જામનગર જિલ્લામાં સાંજ સુધીમાં સરેરાશ 75 ટકા જેટલું મતદાન થયું છે. જેમાં કુલ 294 સરપંચ સભ્ય અને 1556 સભ્યોનું ભાવિ મતપેટીમાં સીલ થયું છે. જામનગર જિલ્લામાં 46 ગામ અને 127 મતદાન મથકો સંવેદનશીલ તો 12 મતદાન મથક અતિસંવેદનશીલ જાહેર કરાયા હોય આ મતદાન મથકો પર પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 128 ગ્રામ પંચાયતની ચુંટણી માટે રવિવારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન થયું હતું. સવારે ધીમા મતદાન બાદ મતદાનમાં વધારો થયો હતો. બપોરે ત્રણ વાગ્યા સુધીમાં જિલ્લામાં 58.62 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં ખંભાળિયા તાલુકામાં 61.48, કલ્યાણપુર તાલુકામાં 60.10, દ્વારકા તાલુકામાં 50.97 અને ભાણવડ તાલુકામાં 58.62 ટકા મતદાનનો સમાવેશ થાય છે. સરપંચ પદ માટેના કુલ 341 ઉમેદવારો તથા 2013 સભ્યોનું ભાવિ મતપેટીમાં સીલ થયું છે. ચૂંટણીની મત ગણતરી તા.21ના મંગળવારે યોજાશે. જિલ્લામાં અગાઉ 28 ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ છે.

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહિલા કરતા પુરૂષનું મતદાન વધુ
જામનગર જિલ્લાની 119 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રવિવારે થયેલા મતદાનમાં મહિલા કરતા પુરૂષનું મતદાન વધુ થયું હતું. બપોરે 5 વાગ્યા સુધીમાં જામનગર જિલ્લામાં કુલ નોંધાયેલા 107094 પુરૂષ મતદારોમાંથી 77140 અને 99411 સ્ત્રી મતદારો પૈકી 66766 મતદારોએ મતદાન કર્યું હતું. આથી પુરૂષ મતદાનની ટકાવારી 72.03 ટકા અને સ્ત્રી મતદારોની ટકાવારી 67.16 નોંધાઇ હતી.

10 ગ્રામ પંચાયતની પેટાચૂંટણીમાં 58.47 ટકા મતદાન
જામનગર જિલ્લામાં 119 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી સાથે 10 ગ્રામ્ય પંચાયતની પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં સાંજે 5 વાગ્યા સુધીમાં જામનગર તાલુકાની 4 ગ્રામ પંચાયતમાં 52.86 ટકા, કાલાવડ તાલુકાની 1 ગ્રામ પંચાયતની પેટાચૂંટણીમાં 83.49 ટકા, લાલપુર તાલુકાની 1 ગ્રામ પંચાયતમાં 76.75 ટકા અને જામજોઘપુર તાલુકાની 4 ગ્રામ પંચાયતની પેટાચૂંટણીમાં 62.79 ટકા મતદાનનો સમાવેશ થાય છે. સામાન્યની રીતે પેટા ચૂંટણીમાં પણ મતદારોએ ઉત્સાહપૂર્વક ઠંડી હોવા છતાં પણ મતદાન કર્યુ હતું.

દ્વારકા જિલ્લાના ધતુરિયા ગામે પોલિંગ ઓફિસર પીધેલો ઝડપાયો
કલ્યાણપુર તાલુકાના ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાનની આગલી રાતે પોલિંગ ઓફિસર જીગ્નેશ પટેલ પીધેલી હાલતમાં ઝડપાઇ આવતા પોલીસે ગુન્હો નોંધી ધરપકડ કરી હતી. શિક્ષક તરીકે ફરજ બજાવતા જીગ્નેશ પટેલ રાત લોકઅપમાં વિતાવતા સરકારી તંત્રમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...