ખેડૂતોમાં ચિંતા:હાલારના હવામાનમાં પલટો, જોડિયામાં ઝાપટું પડ્યું: હજુ બે દિવસની આગાહી

જામનગર/ખંભાળિયા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગર અને દેવભૂમિ દ્રારકા જિલ્લામાં છાંટા પડ્યા: પાક અને પાથરાને નુકસાનની ભીતિથી ખેડૂતોમાં ચિંતા

રાજયના હવામાન વિભાગે કમોસમી વરસાદની કરેલી આગાહી વચ્ચે હાલારમાં ગુરૂવારે હવામાનમાં પલટો આવતા ભર શિયાળે જોડિયામાં કમોસમી વરસાદનું ઝાપટું વરસ્યું હતું. બંને જિલ્લામાં હળવા છાંટા પડયા હતાં. હજે બે દિવસ માવઠાની આગાહી હોય ખેતરોમાં પાક અને પાથરાને નુકસાનની ભીતિથી ખેડૂતોમાં ભારે ચિંતાની લાગણી ફેલાઇ છે.જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બુધવારથી અચાનક વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. ગુરૂવારે વહેલી સવારથી આકાશમાં વાદળોના સામ્રાજયથી ભર શિયાળે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જામનગર જોડિયા તાલુકામાં વરસાદી ઝાપટું વરસ્યું હતું.

વહેલી સવારથી ઠંડા પવનના સુસવાટા સાથે જામનગર અને દ્રારકા જિલ્લાના ખંભાળીયા સહિત અન્ય તાલુકામાં વરસાદના છુટા છવાયા છાંટાઓ પડ્યા હતા. અત્યારે ચોમાસુ પાક ખેતરમાં હોય અને માલ ઢોરના ચારા પણ ખુલ્લામાં પડ્યા હોય કમોસમી વરસાદથી ખેત પેદાશને ભારે નુકસાન થવાની ભીતિથી ધરતીપુત્રો ચિંતિત બન્યા છે.

હવામાન વિભાગ દ્વારા હજુ બે દિવસ સુધી સંભવિત કમોસમી વરસાદના ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે ખેડૂતોના ખેતરોમાં ઉભા તૈયાર પાકને નુકશાન થાય તેવી વકી છે. ખેડુતોનો મગફળી, કપાસ, સહિત ચોમાસુ સિઝનનો પાક તૈયાર થયો છે. ત્યારે મોટા ભાગના ખેતરોમાં મગફળીના પાથરા પડ્યા છે. ત્યારે આસમયે કમોસમી વરસાદ થવાની આગાહીથી ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...