હાલારના 6 પેટ્રોલપંપમાં વેટની રૂ.20.88 કરોડની અનિયમિતતા ખૂલતા ભારે ખળભળાટ મચી ગયો છે. રાજયવ્યાપી દરોડામાં જામનગર, દ્વારકા જિલ્લાના આઠ પેટ્રોલપંપમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં વેટ કાયદા અન્વયે ભરવાના થતા પત્રકો ભરી વેરાની જવાબદારી અદા કરવામાં ન આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
રાજયના સ્ટેટ જીએસટી વિભાગને રાજયના સંખ્યાબંધ પેટ્રોલપંપોને પેટ્રોલીયમ કંપનીઓ દ્વારા વેચાણ કર્યું હોવા છતાં અને પેટ્રોલ પંપના વેટના નોંધણી નંબર રદ થયા હોવા છતાં તેઓ દ્રારા નિયમ મુજબ ભરવાપાત્ર વેરો ભર્યા વિના પેટ્રોલ-ડીઝલનું વેંચાણ થતું હોવાની બાતમી મળી હતી. આથી હાલારના 9 સહિત રાજયના 104 પેટ્રોલપંપ પર સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં ગુજરાત વેટ કાયદા અન્વયે તપાસ કરવામાં આવતા 8 માંથી 6 પેટ્રોલપંપમાં વેટ કાયદા અન્વયે ભરવાના થતા પત્રકો ભરી વેરાની જવાબદારી અદા કરવામાં ન આવી હોવાનું ખૂલ્યું હતું. જેમાં જામનગરના 5 અને દ્વારકાના 1 પેટ્રોલપંપ મળી કુલ 6 માંથી વેરો, દંડ અને વ્યાજ સહિત રૂ.20,88,08372ની અનિયમિતના ખૂલતા સાહિત્ય જપ્ત કરી વેરા વસૂલાતની કાર્યવાહી હાથ ધરાઇ છે.
ક્યાં પેટ્રોલ પંપ પરથી કેટલી અનિયમિતતા હાલારમાં પકડાઇ
પેટ્રોલ પંપનું નામ | સ્થળ | અનિયમિતા(રૂ.માં) |
જયશ્રી ક્રિષ્ના પેટ્રોલીયમ | જામનગર | 6,11,85,330 |
સમય પેટ્રોલીયમ | દ્વારકા | 5,04,84,156 |
મુરલીધર પેટ્રોલીયમ | જામનગર | 4,03,91,200 |
હરસિધ્ધિ પેટ્રોલીયમ | જામનગર | 2,73,73,338 |
શ્રી હરી પેટ્રોલીયમ | જામનગર | 2,68,46,344 |
મીલન પેટ્રોલીયમ | જામનગર | 25,28,004 |
વેટ અધિનિયમ મુજબ રજીસ્ટ્રેશન કરાવવું પડે છે
પેટ્રોલીયમ કંપનીઓ તેમના વિતરક પંપોને પેટ્રોલ-ડીઝલનું વેચાણ કરતી હોય છે, જેના પર વેટ લેવા પાત્ર થાય છે. પંપોએ વેટ અધિનિયમ અન્વયે રજીસ્ટ્રેશન મેળવવું પડે છે. રજીસ્ટ્રેશન ધરાવતા વેપારીઓએ નિયમ આધીન વેરાપાત્ર માલની ખરીદી અંગે ઇનપુટ ટેકસ ક્રેડીટ મળવાપાત્ર હોય છે. રજીસ્ટ્રેશન ન હોય તો વેરાશાખ મળતી નથી.
ફક્ત બે પેટ્રોલપંપમાં કોઇ અનિયમિતતા મળી નહીં
રાજયના સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ 8 પેટ્રોલપંપમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાંથી ફકત બે પેટ્રોલપંપમાં કોઇ અનિયમિતતા મળી ન હતી. જેમાં દ્રારકાના વલ્લભ પેટ્રોલીયમ અને જામખંભાળિયાના રાધે પેટ્રોલીયમનો સમાવેશ થાય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.